અમરેલી

લોકાભિમુખ વહીવટ અને માળખાકીય સુવિધાઓથી સુસજ્જ રાજુલાનું છતડીયા ગામ

રાજ્યના વિકાસ અને નાગરિકોના સર્વાંગી કલ્યાણને વરેલી રાજ્ય સરકાર શહેરી વિકાસની સાથે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. જેના કારણે અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ એવા ગામડાઓ આજે માળખાગત સુવિધાઓથી સમૃદ્ધ બની આર્થિક રીતે સ્વાવલંબી બની રહ્યા છે. ગુજરાતનું આવું જ એક ગામ એટલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છતડીયા ગામ કે, જ્યાં સરકારની લોકોપયોગી યોજના અને જિલ્લા પ્રશાસનના લોકાભિમુખ વહીવટના કારણે ગ્રામજીવનમાં સર્વાંગી વિકાસના દ્વાર ખુલ્યા છે.

છતડીયા ગામમાં થયેલા વિકાસ કાર્યો અંગે વાત કરતા સરપંચ શ્રી મુકેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, અંદાજે ૧૨૦૦ની વસ્તી ધરાવતાં છતડીયા ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. વહીવટી તંત્રના ઉમદા આયોજન થકી ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય અને પરિવહન સહિતની સુવિધાઓ ઘર આંગણે મળી રહી છે. ગામની માળખાગત સુવિધાઓ અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, આજે ગામમાં ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, બસ સ્ટેન્ડ, સી.સી.ટી.વી કેમેરા, ૨૪ કલાક પાણી વિતરણની વ્યવસ્થા, ગામની ત્રણ કિલોમીટરના અંતરે આરોગ્ય કેન્દ્ર અને જાહેર શૌચાલય સહિતની સુવિધાઓ છે.

જિલ્લા પ્રશાસનની પારદર્શિતા અને કાર્ય શૈલી માટે પ્રશંસા કરતા ઉપસરપંચ શ્રી વીરભદ્રભાઈ ડાભીયાએ કહ્યું હતું કે, “છતડીયા ગામના વિકાસ માટે જિલ્લા ક્લેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો હંમેશા માટે સકારાત્મક અભિગમ રહ્યો છે. ગ્રામજનોના હિતાર્થે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી જે પણ માંગ્યું તે સરકારે ઉદાર હાથે આપ્યું છે. સરકારની સુવિધાઓ લોકો સુધી ખરા અર્થમાં પહોંચી રહી છે કે નહિ તેની ચકાસણી અર્થે સમયાંતરે ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા ગામની મુલાકાત પણ લેવામાં આવે છે અને જરૂર પડ્યે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે ગામનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાડી વિસ્તારના બાળકો પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના શાળાએ જઈ શકે તે માટે સ્કુલવાન છે. આખા ગામમાં સ્ટ્રીટ લાઈટ પણ લગાવવામાં આવી છે. સુગમ પરિવહન માટે ગામમાં ૮૦ ટકા બ્લોક રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સ્મશાન ગૃહના આશરે ૨ એકર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોના આરોગ્યની સુખાકારી માટે સ્વ ખર્ચે એમ્બ્યુલન્સ પણ સેવાર્થે આપવામાં આવી છે. વધુમાં લોકો પર્યાવરણની સમીપ રહીને હળવાશનો સમય પસાર કરી શકે અને બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટી થકી ખેલકૂદમાં આગળ વધવાની પ્રેરણા મળી શકે તે માટે ભવિષ્યના આયોજનના ભાગરૂપે ગામની વચ્ચે આવેલા તળાવ પાસે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને કસરત અને રમત-ગમતના સાધનો સાથે ગાર્ડન બનાવવાનું આયોજન છે.

ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની કાર્ય નીતિનું જ્યારે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દ્વારા કટિબદ્ધતા સાથે અમલીકરણ કરવામાં આવે તો તેના કેવા સુંદર પરિણામો મળી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ અમરેલી જિલ્લાનું છતડીયા ગામ બની રહ્યું છે. સરકારી યોજનાઓના લાભની સાથે વહીવટી તંત્રના અધિકારીઓના સકારાત્મક અભિગમના કારણે આજે છતડીયા ગામ સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.

Related Posts