પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સ્પેસ ઇકોનોમીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના વિઝન સાથે અવકાશ ક્ષેત્રમાં માળખાગત સુધારાઓનો પ્રારંભ કર્યો હતો. આ દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે IN-SPACe ની સ્થાપના અવકાશ ક્ષેત્ર માટે સક્ષમકર્તા, પ્રોત્સાહક અને નિયામક સંસ્થા તરીકે કરવામાં આવી છે.
ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણાદાયી વિરાસતથી પ્રેરાઈને, ગુજરાતે અવકાશ ક્ષેત્ર માટે સમર્પિત નીતિ રજૂ કરનાર પ્રથમ રાજ્યોમાં સ્થાન મેળવ્યું હતું. આ નીતિમાં ઉદ્યોગોની ભાગીદારી અને ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપવા સાથે અવકાશ ક્ષેત્ર માટે વિશિષ્ટ બજેટીય જોગવાઈ પણ કરવામાં આવી છે.
આજે IN-SPACe Industry Connect ની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન દિવસે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે કેન્દ્રિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઉદ્યોગ સહયોગ દ્વારા ભારતના અવકાશ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલની ગૌરવમય ઉપસ્થિતિમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ GIDC ખોરાજ ખાતે વિકસાવવામાં આવનારા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે સ્પેસ ટેક ક્ષેત્ર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝ (CTF) ના વિકાસની જાહેરાત કરી હતી. આ સુવિધા IN-SPACe ના નજીકના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે જેથી તે રાષ્ટ્રીય ધોરણો તથા સ્થાપિત કંપનીઓ અને ઉભરતા ઉદ્યોગ સાહસોની જરૂરિયાતો સાથે સુસંગત રહે.
આ કોમન ટેકનિકલ ફેસિલિટીઝનો હેતુ સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને એવી ઉચ્ચ ગુણવત્તાની ટેસ્ટિંગ અને વેલિડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો છે, જેનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આ પ્રકારની સુવિધાઓને સહિયારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકાર ઝડપી ઉત્પાદન વિકાસ ચક્રને પ્રોત્સાહન આપવા, સ્પેસ-ગ્રેડ સિસ્ટમ્સની વિશ્વસનીયતા વધારવા અને દેશના અવકાશ ટેક ઇકોસિસ્ટમને નવી ગતિ આપવા ઈચ્છે છે.














Recent Comments