અમરેલીના નાના માચીયાળા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડિંગ આકાર પામતા બાળકોને સુવિધાયુક્ત શિક્ષણનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર શિક્ષા અભિયાન અન્વયે કુલ રૂ. ૭૫ લાખના ખર્ચે સી.સી.ટી.વી, સ્માર્ટ ક્લાસરૂમ, દિવ્યાંગ સેનિટેશન સહિતની સુવિધાઓ સાથે પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ આકાર પામ્યું છે.
નાના માચિયાળા મુકામે કુલ રૂ. ૩૮ લાખથી વધુના ખર્ચે વિવિધ ૧૧ વિકાસકામોનું રાજ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રેન બસેરા, કોમ્યુનિટી હોલ, પુર સંરક્ષણ દિવાલ, બ્લોક રોડ સહિતના વિકાસકામો સમાવિષ્ટ છે. આ તમામ વિકાસકાર્યો થકી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં ચારે બાજુ રોડ રસ્તા સહિતના વિકાસકામો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પંચાયત ભવનથી લઈને પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગ સહિતના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. અમરેલીમાં જાણે વિકાસની હેલી વરસી હોય એ પ્રકારે ગુણવત્તાયુક્ત વિકાસકામો થઈ રહ્યા છે. આપણાં બાળકો આવતીકાલના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે, સારૂં શિક્ષણ અને સારી વ્યવસ્થાઓ રાજ્ય સરકારની નેમ છે.
નાના માચીયાળા મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, અમરેલી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી વનરાજભાઈ કોઠીવાળ, ગ્રામ પંચાયત સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments