અમરેલી

અવિસ્મરણીય અમરેલી : સ્વાતંત્ર્ય પર્વે સાંસ્કૃતિક કૃતિઓ અને પોલીસ દળના સાહસ-શૌર્યનો અદ્ભુત સંગમ, આદિવાસી બાલિકાઓના બેગપાઇપર બેન્ડ અને ‘મારું અમરેલી’ સાંસ્કૃતિક રજૂઆતે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

અમરેલી ખાતે ૧૫મી ઓગસ્ટના અવસરે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ અને પોલીસ દળના શૌર્યપૂર્ણ પ્રદર્શનોની પ્રસ્તુતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમે ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું.

સમારોહની શરૂઆતમાં વિદ્યાસભાના વિદ્યાર્થીઓએ ‘મારું અમરેલી’ થીમ પર સ્થાનિક અસ્મિતા અને ગૌરવને ઉજાગર કરતી નયનરમ્ય કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ આઝાદીના મહાપર્વને સમર્પિત ‘સ્વાતંત્ર્ય પર્વ’ થીમ આધારિત મલ્ટીમીડિયા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અંબાજીના શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા પ્રસ્તુત ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડ રહ્યું હતું, જ્યાં આ આદિવાસી દીકરીઓના શિસ્તબદ્ધ વાદન અને અદ્ભુત તાલમેલથી સમગ્ર ગ્રાઉન્ડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ પોલીસ વિભાગ દ્વારા સાહસ અને શૌર્યપૂર્ણ પ્રદર્શનો યોજાયા હતા. જેમાં મહિલા પોલીસ દ્વારા પ્રસ્તુત યોગ નિદર્શને શારીરિક સુદ્રઢતા અને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. આ સાથે જ મહિલા પોલીસ જવાનોએ અચૂક નિશાન લેવાની ક્ષમતા દર્શાવતી ‘મહિલા રાઇફલ ડ્રીલ’ રજૂ કરીને ભારતીય નારીના ખમીર, સાહસ અને શક્તિનો બુલંદ પરિચય કરાવ્યો હતો.

પોલીસ જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક મોટરસાયકલ સ્ટંટ શોમાં હિંમત, ચોકસાઈ અને સંતુલનનું અદભૂત પ્રદર્શન જોઈ પ્રેક્ષકો અચંબિત થઈ ગયા હતા.

તે ઉપરાંત, ડોગ સ્ક્વોડના તાલીમબદ્ધ શ્વાનો દ્વારા માદક દ્રવ્યો અને ગુનાની શોધખોળની અદ્ભુત ક્ષમતા દર્શાવતો ‘ડોગ શો’ તેમજ અશ્વદળ દ્વારા પ્રસ્તુત ‘અશ્વ શો’નાશૌર્યપૂર્ણ અને હેરતઅંગેજ કરતબોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તમામ આયોજનોએ અમરેલીના સ્વાતંત્ર્ય પર્વ સમારોહને અવિસ્મરણીય અને ભવ્ય બનાવી દીધો હતો.

Related Posts