ભાવનગર

ભાવનગરમાં રૂા.૪.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય (પી.જી.)નું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા.પ્રદ્યુમનભાઈ વાજા

ભાવનગર ખાતે રૂા.૪.૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા
બિલ્ડીંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાં
આવ્યું હતું. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ,
ગાંધીનગર દ્વારા સંચાલિત ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ, બસિલ પાર્ક હોટેલની બાજુમાં આવેલ છે.
આ છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરીને મંત્રી શ્રીએ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન
પૂરું પાડ્યું હતું. આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા પણ જોડાયા હતા.
આ તકે કેબીનેટ મંત્રી શ્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે ત્યાગ અને બલિદાનની મૂર્તિ રમાબાઈના
જન્મદિવસે અને ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન સાથે આજે
સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટેના સરકારી કુમાર છાત્રાલય (પી.જી.) નું લોકાર્પણ
માત્ર એક ઈમારતનું લોકાર્પણ નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને
જીવંત રાખવાનો પ્રયાસ છે. દૂર-દૂરથી આવનારા ગરીબ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અને અભ્યાસની સગવડ મળે
તે હેતુથી આ છાત્રાલય ઉપયોગી બનશે. બસના સમયપત્રક, રોજની અવરજવર જેવી સમસ્યાઓમાંથી મુક્તિ
મેળવવા માટે હોસ્ટેલ એકમાત્ર યોગ્ય સમાધાન હોવાનું તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવાની
પાઠશાળા છે. તેમણે પોતાના ૧૫ વર્ષના હોસ્ટેલ જીવનના અનુભવ શેર કરતાં જણાવ્યું કે માતા-પિતા અને શિક્ષકો
પોતાના બાળકો માટે મોટા સપનાઓ જોતા હોય છે. વિદ્યાર્થીઓએ ગેરમાર્ગે દોરાયા વગર યોગ્ય માર્ગ પસંદ કરીને
કઠોર પરિશ્રમ, શ્રેષ્ઠતા અને મૂલ્યનિષ્ઠ જીવન દ્વારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરવા તેમણે અનુરોધ
કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વિધાર્થીઓ સારી રીતે ઉચ્ચ
શિક્ષણ મેળવી શકે તે માટે અંદાજે પાંચ કરોડના ખર્ચે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું છે. આ છાત્રાલયમાં
અધિકારીઓ અને સંબંધિત વિભાગ દ્વારા મોનિટરિંગ કરીને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માતા-
પિતા જ્યારે પોતાના દીકરા કે દીકરીને અભ્યાસ, નોકરી કે અન્ય કાર્ય માટે બહારગામ મોકલે છે ત્યારે તેમના

પોતાના સપનાઓ જોડાયેલા હોય છે. તેઓએ જે અધૂરા સપનાઓ રહ્યા હોય તે પોતાના સંતાનો દ્વારા પૂર્ણ થતા જોવા
માંગતા હોય છે ત્યારે શિક્ષણ થકી પોતાની જવાબદારી સારી રીતે નિભાવીને તેમના સપનાઓ પુરા કરીએ.
વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હમણાં જ રજૂ થયેલ બજેટ 2026-27
વિકસિત ભારત 2047 ના વિકસિત ભારત તરફ આગળ વધવાનું દર્શાવે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ
પટેલના નેતૃત્વમાં આજે ગુજરાત સમગ્ર દેશ માટે રોડ મોડલ તરીકે વિકસતું જાય છે અને અન્ય રાજ્યો માટે પ્રેરણા
બની રહ્યું છે.
ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજમાં સમાનતા, ન્યાય અને
સશક્તિકરણનું સૌથી મોટું સાધન છે. આજે જે લોકાર્પણ થઈ રહ્યું છે તે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર
કરવાનું માધ્યમ બનશે. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે અહીં અભ્યાસ કરનાર દરેક વિદ્યાર્થી સમાજ માટે
સશક્ત નાગરિક બને અને ડૉ. બાબાસાહેબના વિચારોને આત્મસાત કરી દેશના વિકાસમાં યોગદાન આપે. આ અવસરે
હોસ્ટેલ સુધી પહોંચવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તાની વ્યવસ્થા મંજૂર કરવામાં આવી હોવાનું
જણાવાયું હતું.
જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે નવનિર્મિત છાત્રાલયમાં રહેવા આવનારા તમામ વિદ્યાર્થીઓને
અભિનંદન પાઠવ્યા અને ગુજરાત સરકારનો વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો. અંદાજે પાંચ કરોડ રૂપિયાના
ખર્ચે લગભગ 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની, જમવાની તથા લાઇબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી
છે, જેના લાભાર્થી વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, અનુસૂચિત જાતિ
કલ્યાણ નાયબ નિયામક શ્રી એમ. એન. ગામિત, સમાજ કલ્યાણ અધિકારીશ્રી કુ. એ. પી. પટેલિયા, જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, અગ્રણી શ્રી મોહનભાઈ બોરિચા, શ્રી સી.એમ.ભોજ સહિતના આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts