અમરેલી

જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તાલીમ યોજાઈ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તથા રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ચાવડાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થાય છે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેડૂતોને વધુ શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય છે.

માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે બીજામૃત દ્વારા બીજની શુદ્ધતા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેના કારણે પાકની સારી વૃદ્ધિ થાય છે. જીવામૃત જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધારીને જમીનની ઉર્વરતા સુધારે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

તે ઉપરાંત આચ્છાદન (મલ્ચિંગ) દ્વારા જમીનમાં ભેજ જળવાઈ રહે છે, નિંદામણમાં ઘટાડો થાય છે અને જમીનની ગુણવત્તા જાળવવામાં મદદ મળે છે. વાપસા પદ્ધતિ દ્વારા જમીનમાં હવા અને ભેજનું સંતુલન જાળવી રાખીને પાકની સારી વૃદ્ધિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે.

તેમજ પ્રાકૃતિક જીવ નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર દેશી ગાયના ગોમૂત્ર અને અન્ય કુદરતી ઘટકોમાંથી તૈયાર કરાયેલા દ્રાવણોનો ઉપયોગ કરીને જીવાત અને રોગનું નિયંત્રણ કરી શકાય છે.

આ તાલીમ કાર્યક્રમના અંતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ગુણવત્તા જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related Posts