અમરેલી

વીજપડી ગામે વિકાસનો નવો અધ્યાય – રૂ.૩૪.૮૩ લાખના ગ્રામ પંચાયત (સચિવાલય) ભવનનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે વીજપડી ગામે નવી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગ્રામ્ય વિકાસને વધુ ગતિ આપવા માટે રૂ. ૩૪.૮૩ લાખના ખર્ચે
નવી ગ્રામ પંચાયત (સચિવાલય)ના ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સાવરકુંડલા-લીલીયા
વિધાનસભાના જનપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓને વધુ મજબૂત
બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નવી ગ્રામ પંચાયત સચિવાલયનું નિર્માણ થવાથી ગામના નાગરિકોને
સરકારી કામકાજ માટે સુવિધાજનક વ્યવસ્થા મળશે અને ગ્રામ વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત સચિવાલય ગામના વિકાસનું કેન્દ્ર હોય છે. નવા ભવનના
નિર્માણથી પંચાયતના વહીવટી કામકાજ વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે તેમજ ગામલોકોને વિવિધ
સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળશે.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, સ્થાનિક
અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ આ વિકાસકાર્ય બદલ
રાજ્ય સરકાર અને ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિકાસકાર્યથી વીજપડી ગામમાં વહીવટી સુવિધાઓ વધુ મજબૂત બનશે અને ગ્રામ વિકાસના કાર્યોને
નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts