અમરેલી જિલ્લાના સરંભડા ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષ સ્થાને થઈ હતી. દેશના વડાપ્રધાનશ્રી દ્વારા આસામના ગુવહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજનાનો ૨૨મો હપ્તો રૂપે રૂ. ૨,૦૦૦ની સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી, જેનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું. આ સાથે જ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેને ખેડૂતોએ નિહાળ્યો હતો.
અમરેલી જિલ્લામાં અંદાજે ૧.૫૦ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માનિ નિધિ અંતર્ગત ૨૨મો હપ્તો જમા થયો હતો. ખેડૂતોને મિલેટ પાક અંગે માર્ગદર્શન મળે તે માટે મિલેટ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જીગ્નેશ કાનાણીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને મિલેટ એટલે કે જાડાધાન્યનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મિલેટ એટલે કે બાજરો, કોદરી, કાંગ, જુવાર, રાગી, મકાઈ વગેરે જેવા જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
વધુમાં આગામી તા. ૧૮-૨૧ માર્ચ હવામાનની સ્થિતિ સંભવિત રીતે બદલાવાની શક્યતા હોવાના લીધે ખેડૂતોને તેમણે અગમચેતીના પગલા તરીકે તૈયારી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ભંડારિયા કૃષિ વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. વાઘાણીએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં બાળકોને પણ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે ત્યારે રાસાયણિક ખાતરના ઉપયોગને ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.
નાના આંકડિયાના પ્રગતિશીલ ખેડૂતશ્રી, કેતનભાઈ ખોયાણીએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને તેના ફાયદા સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન કરું છું. અમારા ઉત્પાદનોની અમેરિકા સુધી કિંમત છે. અમરેલીના આંકડિયાનું મરચું અમેરિકા સુધી જાય છે. આ તમામ ઉત્પાદનોનું પહેલાં લેબ ટેસ્ટીંગ થાય છે બાદમાં તેને વેચાણ અર્થે મૂકવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ તો આગામી સમયમાં સ્વાસ્થ્ય સંકટ તોળાઈ રહ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત મિલેટ પાકોનું નિદર્શન યોજાયું હતું જેમાં પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. આઇ.સી.ડી.એસ દ્વારા મિલેટથી તૈયાર કરેલી વાનગીનું પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇન્ચાર્જશ્રી એસ.પી. દુદખીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી અમરેલી કટેશીયા, તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી રાહુલ શેખવા, શ્રી ચેતના બહેન સાંગણી, સરંભડાના સરંપચશ્રી દૂધાત, ઉપસરપંચશ્રી હરખાણી, આસપાસના ગામના સરપંચશ્રીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments