અમરેલી

સૌથી વધુ સંભળાતું ‘મૌન’: રામનવમીએ લોકમેળાના કોલાહલ વચ્ચે પીરસાયેલું અનોખું સમર્પણ… 

જ્યાં હોય છે હોબાળો 

ત્યાં પ્યાસ નથી હોતી,

શાંત ખૂણે પીરસાય એમાં 

જ સાચી પરખ હોય છે.

​દેખાડો કરે છે દુનિયા 

આખી અહીં તરસનો,

જે મૌન રહીને પીવડાવે 

એના હાથમાં બરકત હોય છે.

–“પાંધી સર” 

​​રામનવમીનો પવિત્ર પર્વ એટલે ચારેતરફ ભક્તિ અને ઉત્સવનો માહોલ. આજના આધુનિક યુગમાં જ્યાં દરેક સેવા પાછળ દેખાડો અને મોટા લાઉડસ્પીકરનો ઘોંઘાટ અનિવાર્ય બની ગયો છે, ત્યાં રામનવમીના લોકમેળામાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. હજારો વોટના સ્પીકરો અને ભીડભાડવાળા ઠંડા પીણાંના સ્ટોલની વચ્ચે એકાંતમાં ઉભેલી ‘પાણીની પરબ’ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી હતી.

​દેખાડા વગરની દિવ્યતા

જ્યાં ભીડ અને હોબાળો છે ત્યાં તરસ નથી હોતી, પરંતુ જ્યાં મૌન અને નમ્રતા છે ત્યાં જ સાચી પરખ હોય છે. રસ્તાઓ પર ઠેર-ઠેર મોટા બેનરો અને અવાજો વચ્ચે તરસ છીપાવવાની હોડ જામી હતી, ત્યારે આ શાંત ખૂણે ઉભેલી સેવા ‘સેલ્ફ સર્વિસ’ના ભાવ સાથે જાણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતનની યાદ અપાવતી હતી.

​તરસનો કોઈ ધર્મ નથી

હેમંત ચૌહાણના ભજનની પંક્તિઓ “દેખંદા છે કોઈ? પરખંદા છે કોઈ?” અહીં સાર્થક થતી જણાય છે. કોઈ જુએ કે ન જુએ તેનો રંજ રાખ્યા વગર, નમ્રતાથી તરસ છીપાવનારના હાથમાં જ સાચી બરકત હોય છે. આ મૌન એટલું પ્રભાવશાળી હતું કે તે હજારો સ્પીકરો કરતા પણ વધુ સ્પષ્ટ રીતે સંભળાતું હતું. આ માત્ર તરસ છીપાવવાનું સાધન નહોતું, પણ માનવતાનું નિરંજન અને નિરાકાર ઉદાહરણ હતું.

Related Posts