વડલાની છાંયે આજે શ્રદ્ધાનો દીપ પ્રગટ્યો છે,
ભક્તોના હૈયે પુરુષોત્તમનો અસીમ પ્રેમ પ્રસર્યો છે.
નથી થતાં મંગળ કાર્યો ભલે
આ અધિક માસમાં,
પણ ભક્તિનો સાચો માર્ગ
હર હૈયે પ્રગટ્યો છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરની શિવ શક્તિ સોસાયટીમાં આવેલ સુપ્રસિદ્ધ બુધ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજરોજ તેરશના પવિત્ર દિવસે આગામી પુરુષોત્તમ માસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રાંગણમાં આવેલા એક પ્રાચીન અને ઘેઘૂર વડના ઝાડ નીચે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાન પુરુષોત્તમજીના આહવાન માટે ‘કાંઠા ગોર’નું સ્થાપન કરવામાં આવ્યું છે.
મંદિરના પૂજારી મેહુલબાપુ દ્વારા ભગવાન પુરુષોત્તમજીના પ્રતીક એવા કાંઠા ગોરનું પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, હિન્દુ પંચાંગ મુજબ દર ત્રણ વર્ષે એક વધારાનો માસ આવે છે, જેને ‘પુરુષોત્તમ માસ’ અથવા ‘અધિક માસ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ માસનું વિશેષ મહત્વ સમજાવતા જણાવાયું હતું કે, પુરુષોત્તમ માસ દરમિયાન ભલે કોઈ મંગળ કે શુભ કાર્યો વર્જિત હોય, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ મહિનો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ આ આખા માસ દરમિયાન ભગવાન પુરુષોત્તમનું સ્મરણ, પૂજન અને કીર્તન કરીને ધન્યતા અનુભવે છે. બુધ્ધનાથ મહાદેવ ખાતે આમ આ ભક્તિ પર્વનો શુભ મંગલ પ્રારંભ થયો છે.













Recent Comments