તરસ્યા ગળાને તૃપ્ત કરે
એ જ સાચી બંદગી છે,
નામના મોહ વિના વહે,
એ જ સાચી જિંદગી છે.
કુંડલાની આ ધરા પર
માનવતા મહેકી ઉઠી,
હનુમાનજીના નામે અહીં
વહેતી અખંડ જળધારા છે.
–“પાંધી સર”
ઉનાળાની શરૂઆત થતાં જ જ્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ હોય છે અને તાપમાન ૪૫ ડિગ્રીની સપાટી વટાવી જાય છે, ત્યારે તરસ્યા ગળાને તૃપ્ત કરવાથી મોટું કોઈ પુણ્ય નથી. સેવાભાવી નગરી તરીકે જાણીતા સાવરકુંડલામાં આવી જ એક અદભુત, પ્રેરણાદાયી અને નિઃસ્વાર્થ જળસેવા છેલ્લા બે દાયકા (૨૦ વર્ષ) થી અવિરતપણે ચાલી રહી છે.
સાવરકુંડલાના વ્યસ્ત એવા રજકા પીઠ વિસ્તારમાં, નદી બજારમાં આવેલા મહાવીર એગ્રોની બિલકુલ સામે દર વર્ષે ચૈત્ર માસ એટલે કે ઉનાળાની શરૂઆતથી લઈને અષાઢ માસમાં ચોમાસાના પ્રારંભ સુધી આ ઠંડા પાણીનું પરબ રાત-દિવસ કાર્યરત રાખવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિની સૌથી મોટી અને પ્રશંસનીય વિશેષતા એ છે કે, આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો નાની અમથી સેવા પાછળ મોટો પ્રચાર કરતા હોય છે, ત્યારે આ પરબ કોઈ પણ વ્યક્તિગત નામ કે આર્થિક લાભના પ્રચાર-પ્રસાર વિના, માત્ર અને માત્ર ‘શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ’ ના પવિત્ર નામથી જ શ્રદ્ધાપૂર્વક ચલાવવામાં આવે છે.
કાળઝાળ ગરમીના દિવસોમાં આ માર્ગ પરથી પસાર થતા હજારો રાહદારીઓ, મજૂરો, વાહનચાલકો અને પશુ-પંખીઓ સહિતના તમામ જીવમાત્ર આ પરબનું કાળજીપૂર્વક રાખેલું શીતળ જળ પીને તૃપ્તિનો અહેસાસ કરે છે અને ગરમીમાં મોટો હાશકારો અનુભવે છે.
કોઈપણ જાતના નામના મોહ વગર છેલ્લા ૨૦ વર્ષથી સતત વહી રહેલી આ જળધારા ખરેખર વંદનિય છે. આ ભગીરથ કાર્ય સાવરકુંડલાની ગૌરવશાળી સેવાની પરંપરાને વધુ ઉજાગર કરે છે અને સમાજમાં અન્ય સંસ્થાઓ તથા યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.













Recent Comments