ભાવનગર

છેલ્લા એક વર્ષમાં ૨૦૫ મહિલાઓ માટે સંકટકાળે સંવેદના, સુરક્ષા અને સહારાનું વિશ્વસનીય કેન્દ્ર બન્યું ભાવનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર

સમાજમાં મહિલાઓ અનેક પ્રકારની શારીરિક, માનસિક, આર્થિક તેમજ સામાજિક હિંસાનો ભોગ
બનતી હોય છે. આવી પરિસ્થિતિમાં પીડિત મહિલાઓને ન્યાય અને સહાય મેળવવા માટે અલગ-અલગ
કચેરીઓના ધક્કા ખાવા ન પડે તેમજ એક જ સ્થળે જરૂરી તમામ સહાય સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુસર
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના અમલમાં
મૂકવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં “સખી” વન સ્ટોપ સેન્ટર જેલ ગ્રાઉન્ડ પાછળ, શ્યામલ ફ્લેટ પાસે, વિદ્યાનગર
ખાતે ૨૪ કલાક કાર્યરત છે. આ કેન્દ્ર મહિલાઓને સુરક્ષિત વાતાવરણમાં કાયદાકીય માર્ગદર્શન, તબીબી
સહાય, પોલીસ સહાય, મનો-વૈજ્ઞાનિક પરામર્શ તેમજ હંગામી આશ્રય જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે
ઉપલબ્ધ કરાવી રહ્યું છે. પરિણામે આ કેન્દ્ર હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એપ્રિલ-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ સુધીમાં કુલ ૨૦૫
મહિલાઓએ “સખી” વન સ્ટોપ સેન્ટરની સેવાઓનો લાભ મેળવ્યો છે.૧૫૫ મહિલાઓને હંગામી આશ્રય
આપવામાં આવ્યો હતો, જ્યારે ૧૭ મહિલાઓને તબીબી સહાય અને ૧૭૨ મહિલાઓને કાયદાકીય સહાય
પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ૧ મહિલાને પોલીસ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સેન્ટરમાં આવેલ તમામ ૨૦૫ મહિલાઓનું સાયકો-સોશ્યલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ અને માર્ગદર્શનના પરિણામે ૫૮ મહિલાઓના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું, ૧૭
મહિલાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ ૨૭ મહિલાઓને તેમના પિયરપક્ષના સભ્યોને
સોંપવામાં આવી હતી. જ્યારે અન્ય ૧૦૩ મહિલાઓને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને
સહાય પૂરી પાડવામાં આવી હતી.
“સખી” વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય મેળવનાર મહિલાઓ માટે સમયસર ભોજન અને જરૂરી
સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સાથે જ સમયાંતરે કાઉન્સેલિંગ દ્વારા મહિલાઓના માનસિક
સશક્તિકરણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને પરિવાર સાથે પુનઃસ્થાપન માટે પણ સહયોગ
આપવામાં આવે છે.
“સખી” વન સ્ટોપ સેન્ટરની વિશેષતા એ છે કે, આ સેન્ટર પર તમામ કામગીરી મહિલાઓ દ્વારા
સંચાલિત કરવામાં આવે છે. જેથી સહાય માટે આવતી મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત અનુભવી શકે છે
અને નિર્ભયપણે પોતાની વ્યથા વ્યક્ત કરી જરૂરી સહાય મેળવી શકે છે.
આમ, ભાવનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર છેલ્લા એક વર્ષ દરમિયાન ૨૦૫ મહિલાઓ માટે
સંવેદના, સુરક્ષા અને સહાયનું અસરકારક કેન્દ્ર બની સમાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ
કામગીરી બજાવી રહ્યું છે.

Related Posts