ભાવનગર

વડાપ્રધાનના આહવાનને અનુસરી સાદગી, સેવા અને સમાજહિતના સંકલ્પ સાથે ઉજવાશે રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ

*તારીખ ૨૩ મેના રોજ મંત્રીશ્રીના જન્મદિવસે રાજ્યભરમાં ૧૦૧ સ્થળોએ સાદગીથી સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાશે*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સાદગીપૂર્ણ જીવનશૈલીના આહવાનને આત્મસાત કરીને રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે યોજાનાર “કોળી સમાજનું વિશાળ પંચામૂર્ત સામાજિક સંમેલન”ને ભવ્યતા અને તામજામથી દૂર રાખી સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.

તારીખ ૨૩ મે ના રોજ ઉજવાનારા મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે અગાઉ વિશાળ સામાજિક સંમેલન યોજાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રહિતના સંદેશને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રીએ ઉજવણીમાં સાદાઈ, સેવા અને સમાજહિતને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયને સમાજના વિવિધ વર્ગોમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે.

રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંદાજે ૧૦૧ સ્થળોએ વિવિધ સેવાકીય અને લોકહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોમાં મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ વિતરણ, આંગણવાડીના બાળકોને પૌષ્ટિક ભોજન, વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમ તથા મંદબુદ્ધિ આશ્રમોમાં જમણવાર, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને છાશ વિતરણ તેમજ મંદિરોમાં પૂજા-આરતી અને હનુમાન ચાલીસા પાઠ જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રીનો આ અભિગમ માત્ર સાદગીનો સંદેશ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, ઇંધણ બચત અને માનવસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઉજવણી કરતાં સેવા અને દેખાવ કરતાં લોકકલ્યાણને અગત્ય આપતો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.

સમાજસેવા, પર્યાવરણ જાગૃતિ અને માનવકલ્યાણના મૂલ્યો સાથે ઉજવાતો મંત્રીશ્રી પરસોત્તમભાઈનો જન્મદિવસ લોકોમાં સકારાત્મક ઉર્જા અને સમાજહિતની ભાવનાને વધુ મજબૂત બનાવશે.

Related Posts