અમરેલી

સાવરકુંડલામાં અજાયબી: નાવલી નદીના ડહોળા પાણી વચ્ચે પુલ પરથી વહી ‘સ્વચ્છ પાણીની સરવાણી’!

સાવરકુંડલા શહેરમાં આવેલ રિધ્ધિ-સિધ્ધિનાથ ચોક પાસે આજે સવારે પોણા સાત આસપાસના સમય ગાળા દરમિયાન એક અત્યંત આશ્ચર્યજનક અને અદ્ભૂત દ્રશ્ય જોવા મળ્યું . અહીં સાવરકુંડલા તરફ જવાના નાવલી નદીના પુલ પાસે એક તરફ નદીમાં ચોમાસાના ડહોળા નીર વહી રહ્યા છે, તો બીજી તરફ પુલની બિલકુલ લગોલગ આવેલી એક અડધીની પીવીસી પાઇપમાંથી શુદ્ધ અને સ્વચ્છ પાણી જાહેર રોડ પર વહી રહ્યું હતું !

​આ ઊંચાઈએ, પુલની રેલિંગને અડીને આવેલી આ પાઇપલાઇન કોની છે અને ક્યાંથી આવે છે? તે પણ એક  સવાલ તો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પાણી પુરવઠા વિતરણની લાઇનમાંથી લેવાયેલું ગેરકાયદેસર કનેક્શન હશે? નવાઈની વાત તો એ છે કે આ કિંમતી પાણીનો બગાડ અટકાવવા માટે કોઈકે   પાઇપના મોઢામાં એક લાકડીનું બટકું ખોસીને પાણી રોકવાનો ‘દેશી જુગાડ’ કરવામાં આવ્યો છે! છતાં પણ પાણી  જાહેર રોડ પર વહી રહ્યું હતું.. 

​”ઊંધી રકાબી સમું સાવરકુંડલા છે, અહીં કદાચ પાઇપમાંથી પાણી પણ નદીના ઢોળાવ તરફ વહેતું હશે!” આવી રમૂજી પણ કટાક્ષભરી ચર્ચાઓ સ્થાનિક રાહદારીઓમાં જોવા મળી રહી છે.

​એક બાજુ લોકોને પીવાનું શુદ્ધ પાણી મેળવવા વલખાં મારવા પડે છે, ત્યારે આ રીતે  સ્વચ્છ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. આ કોઈ લાઈનનું લીકેજ છે કે પછી? 

​સાવરકુંડલા નગરપાલિકા આ બાબતની તાત્કાલિક સંજ્ઞાન લે, આ વહેતા પાણીના સ્રોતની તપાસ કરી તેને તાકીદે બંધ કરાવે અને આ પાઇપલાઇન  સંદર્ભે યોગ્ય તપાસ કરી  યોગ્ય કાર્યવાહી કરે તેવી જનતાની માંગ છે.

Related Posts