અમરેલી શહેરના શિક્ષણ ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રસંગ સર્જાયો હતો. શહેરની પ્રથમ સરકારી માધ્યમિક શાળાનો પ્રારંભ ગુજરાત સરકારના ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અમરેલી શહેરની રોકડિયા પરા પ્રાથમિક શાળામાં મંત્રીશ્રીએ પોતાના જન્મદિને બાળકોને ભેટ આપી અને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અમરેલી શહેરમાં પ્રથમ સરકારી માધ્યમિક શાળાનો પ્રારંભ થવાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પોતાના વિસ્તારની નજીક ઉપલબ્ધ બનશે તેમજ વાલીઓને પણ રાહત મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, સ્માર્ટ વર્ગખંડો અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓના માધ્યમથી શિક્ષણ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવામાં આવી રહી છે. શિક્ષણમંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા દ્વારા અમરેલી જિલ્લામાં ૦૬ નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે. આ પૈકી વડિયા અને અમરેલીને એક શાળા મળી છે. આ નવી શાળા અમરેલીના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી, વૈશાલી બહેન માંગરોળીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષાર જોશી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડી.એમ ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાશનાધિકારીશ્રી જોશી, અગ્રણીશ્રી વિજય ચોટલીયા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments