અમરેલી

સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનજીવન પ્રફુલ્લિત. વાદળો મનમૂકીને વરસ્યા.

સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને અસહ્ય બફારા બાદ આખરે વર્ષારાણીનું ધમાકેદાર આગમન થયું છે. લાંબા ઈન્તજાર બાદ મેઘરાજાની પધરામણી થતાં જ સમગ્ર પંથકમાં મોસમનો પહેલો મોટો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ગરમીમાંથી મોટી રાહત મેળવી ખુશીની લહેર અનુભવી છે.

આજે બપોરે દોઢ વાગ્યાની આસપાસ મેઘરાજાએ પોતાના ઓરિજિનલ મિજાજના દર્શન કરાવ્યા હતા. “હું મેહૂલો કંઈ એમ થોડો ગાજ્યો જાઉં!” એ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે બીજા રાઉન્ડમાં એકધારો વરસાદ ખાબક્યો હતો. વરસાદ એટલો વ્યાપક હતો કે જોતજોતામાં શહેરની શેરીઓ અને મુખ્ય રસ્તાઓ પર પાણીના પ્રવાહો વહેતા જોવા મળ્યા હતા. અવિરત વરસતા વરસાદને કારણે સમગ્ર પંથકમાં અસલી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

વરસાદ શરૂ થતાં જ ગરમીથી તોબા પોકારી ગયેલા યુવાનો અને બાળકો રસ્તા પર નીકળી પડ્યા હતા અને પ્રથમ વરસાદમાં ન્હાવાનો અનોખો આનંદ માણ્યો હતો. વાહનો પર જતા રાહદારીઓ પણ ભીંજાઈને હરખાતા નજરે પડ્યા હતા. બરાબર શાળા છૂટવાના સમયે જ વરસાદ તૂટી પડતાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. વાલીઓ પોતાના બાળકોને લેવા તાબડતોબ છત્રી અને રેઈનકોટ લઈને શાળાએ દોડ્યા હતા. શાળાએથી પરત ફરતા બાળકો વરસાદમાં પલળીને રોમાંચિત થયા હતા, તો વળી રસ્તા પર ભરાયેલા પાણીના કારણે કેટલાક મોટરસાયકલ ચાલકોના વાહનો બંધ પડી ગયા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

લાંબા સમય બાદ વરસેલા આ વરસાદને પગલે જગતના તાત ગણાતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે અને પ્રકૃતિ પણ ખીલી ઊઠી છે. જો કે, હવામાન અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે અલ-નીનો (El Niño) ની અસર થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આથી, કૃષિ વિભાગ દ્વારા ખેડૂત ભાઈઓને ઉતાવળ કરી ‘ઉતાવળી વાવણી’ કરવાથી બચવા અને જમીનમાં પૂરતો ભેજ સાયન્ટિફિક રીતે ઉતરે તેની રાહ જોવા ખાસ અપીલ કરવામાં આવી છે. તમામ ખેડૂતોને હવામાન વિભાગના સત્તાવાર બુલેટિનને ગંભીરતાથી ધ્યાનમાં લઈને જ આગળનું આયોજન કરવા અનુરોધ કરાયો છે.

Related Posts