ગુજરાત

ગુજરાત પોલીસ દળમાં નવ નિયુક્ત ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસમાં બિનહથિયારી પી.એસ.આઇ. તરીકે જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહીને નાગરિક દેવો ભવ તથા “વસુધૈવ કુટુંબકમ”ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મંત્રને સાકાર કરવા આહવાન કર્યું હતું.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક આપવામાં આવી છે. આ નવ નિયુક્ત યુવાઓને નિમણૂકપત્ર અર્પણનો ગરિમામય સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહીને નવનિયુક્ત અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈપણ રાજ્યનો વિકાસ શાંતિ અને સલામતી વગર શક્ય નથી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતે દેશના રોલ મોડલ તરીકે તથા રોકાણો વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક વિકાસની જે ખ્યાતિ મેળવી છે તેમાં શાંતિ અને સલામતિના પ્રહરી એવા પોલીસ દળનો સિંહ ફાળો છે.

“તમે સૌ હવે આ પોલીસ દળમાં જોડાયા છો અને સમાજને, તમારા પરિવારને તમારા સૌ માટે ગૌરવ થાય એવું રાજ્ય-રાષ્ટ્રહિતનું દાયિત્વ તમારે સમાજ સાથે રહીને નિભાવવાનું છે” એમ મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, સમાજ જીવનમાં પોલીસનું સ્થાન અને સન્માન એવા ગૌરવભર્યા છે કે તેની હાજરી માત્રથી જ સામાન્ય નાગરિકમાં વિશ્વાસ જાગે છે કે હવે જે કઈપણ થશે તે ન્યાયપૂર્ણ થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસ તંત્રમાં કોઈ એક વ્યક્તિનું સારું કાર્ય આખાય ડિપાર્ટમેન્ટને ક્રેડિટ અપાવનારું બની જતું હોય છે. નવ નિયુક્ત યુવાઓએ તેમાંથી પ્રેરણા લઈને સારું શીખીને પોલીસ દળની છબી વધુ ઉજાળવાની છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નિષ્ઠા, પ્રમાણિકતાથી કામ કરનારાઓની સાથે સરકાર હંમેશા ઊભી રહે છે. સૌ સાથે મળીને ગુજરાતને શાંતિ અને સલામતીમાં વધુ સંગીન અને ગૌરવશાળી બનાવીએ તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પારદર્શી ભરતી વ્યવસ્થા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત યુવાઓને શિસ્તપાલન સાથે ફરજરત રહેવાની શીખ પણ આપી હતી.

તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની જર્નીમાં પોલીસ દળની ભૂમિકા મહત્વની રહેવાની છે. પોલીસ દળમાં નવનિયુક્ત આ યુવાઓ તેમના લાંબા કારકીર્દીકાળ દરમિયાન 2047ના વિકસિત ભારત-વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનશે વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બની રહેલા ૪૪૯ નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અભિનંદન પાઠવી, તેમનું પોલીસ પરિવારમાં સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતા માટે પોલીસ એટલે ગુનેગારોને સીધા કરનારી એક ફોર્સ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ રાજ્યમાં કોરોના મહામારી કે ભારે વરસાદ જેવી કુદરતી આફતો સહિતની કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે, ત્યારે જનતાના રક્ષણ માટે સૌથી પહેલું નામ પોલીસનું જ આવે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત અધિકારીઓને સંબોધતા કહ્યું કે, કાયદો હાથમાં લેનારા તત્વોને કાયદાનું ભાન કેવી રીતે કરાવવું તે તમને આવડવું જ જોઈએ, અને જો તમારામાંથી કોઈ કાયદો હાથમાં લેશે તો મૃદુ અને મક્કમ એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કડક હાથે કામ લેવા સક્ષમ છે. સૌથી વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડક પગલાં ભરીને વહીવટીતંત્રને શુદ્ધ (ગંગાજળ પીવડાવવા) કરવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે.

આજના આધુનિક યુગનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજીના આ જમાનામાં પણ ગુનાશોધનમાં ‘ટેક્નિકલ ઇન્ટેલિજન્સ’ કરતા ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ આજે પણ ખૂબ જ મહત્વનું પાસું છે.

ગુજરાત પોલીસના સુદ્રઢીકરણ માટે એક મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૩૩ સુધીમાં સીધી ભરતી દ્વારા નવી કુલ ૫૦ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષમાં પોલીસ વિભાગમાં કુલ ૫૪,૫૦૯ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં જ કુલ ૧૫,૬૫૩ મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં અંદાજે ૧ લાખ જેટલા યુવાનો પોલીસ વિભાગમાં જોડાયા છે, જ્યારે હાલમાં પણ ૧૩,૫૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગઈકાલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ચુકાદા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ દેશમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી, તેવો સ્પષ્ટ અને મક્કમ સંદેશ આ ચુકાદાથી મળે છે. તેમણે આ સમગ્ર દેશદ્રોહી કેસની ઝીણવટભરી અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરનાર ગુજરાત પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહ વિભાગના એક મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, પોલીસ ભરતીની તૈયારી કરતા રાજ્યના મધ્યમ અને સામાન્ય વર્ગના ઉમેદવારો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાતના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેથી કોઈ પણ ગરીબ કે મધ્યમવર્ગીય ઉમેદવારે ખાનગી ક્લાસીસના મોંઘા ખર્ચા ન ભોગવવા પડે.

આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોલીસ કોન્સ્ટેબલથી લઈને PSI સુધીના વિવિધ સંવર્ગોમાં કુલ ૫૪,૫૦૯ જવાનોની પારદર્શક અને સફળ ભરતી પૂર્ણ કરી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૬-૨૭માં પણ વધુ ૧૩,૫૯૧ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કાર્યરત છે, જે રાજ્ય સરકારની સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાતના રાજ્ય પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે આ પ્રસંગે ખાખી વર્દી ધારણ કરવા જઈ રહેલા ૪૪૯ નવનિયુક્ત અને ઉચ્ચ શિક્ષિત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ ગૌરવપૂર્ણ અવસરે શ્રી મલિકે PSIની સાથે-સાથે તેમના પરિવારોને પણ આ સફળતા બદલ બિરદાવ્યા હતા અને તમામ નવનિયુક્ત અધિકારીઓને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માટે શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન ડૉ. નિરજા ગોટરુના સક્ષમ નેતૃત્વ હેઠળ તાજેતરની સમગ્ર ભરતી પ્રક્રિયા અત્યંત સુવ્યવસ્થિત, ન્યાયપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થઈ છે. આ સફળ અને વિવાદરહિત કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ડૉ. નિરજા ગોટરુને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આજે પોલીસ દળનો હિસ્સો બનેલા નવનિયુક્ત PSI અત્યંત ટેકનોસેવી અને ઉચ્ચ શિક્ષિત છે. આ નવયુવાનોની દેશભક્તિ, શિસ્ત અને નૈતિકતા ગુજરાત પોલીસની ગરિમાને વધુ ઊંચાઈ પર લઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ રાજ્ય પોલીસ વડા શ્રી જી.એસ.મલિકે વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરુએ નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ભરતી સૌથી ઝડપી તેમજ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૪માં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કર્યા બાદ આ પ્રથમ સફળ બેચ છે.

તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં જાહેર કરવામાં આવેલી ૪૭૨ બિન હથિયારી PSIની જગ્યાઓની ભરતી માટે કુલ ૪.૬૦ લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શારીરિક કસોટી, લેખિત કસોટી અને વિવિધ દસ્તાવેજ, મેડિકલ વગેરે પારદર્શક પ્રક્રિયા પૂર્ણ કરીને આ પસંદગી કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલથી PSI થવા માટે મોડ-૨ ખાતાકીય પરીક્ષાની પ્રક્રિયા પણ હાલમાં ચાલી રહી છે. સૌ નવનિયુક્ત અધિકારીઓ પોતાની મહેનતથી ગુજરાત પોલીસમાં ભરતી થયા છે ત્યારે નિષ્ઠા અને પ્રામાણિકતાથી નાગરિકોની સેવા- સુરક્ષા માટે કાર્યરત રહેશો તેમ, આ પ્રસંગે ડૉ. નિરજા ગોટરુએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવા ફોજદારી કાયદાઓ અને તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા ઈન હાઉસ બનાવેલી ઈ મોડ્યુલ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ અકાદમી દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. દેશમાં અમલી બનેલી નવી કાયદાકીય જોગવાઈઓને સમાવતા આ નવપ્રકાશિત પુસ્તકોમાં (૧) ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ (૩) ભારતીય સાક્ષ્ય અધિનિયમ – ૨૦૨૩ (૪) ફોરેન્સિક સાયન્સ, ક્રિમીનોલોજી અને કોમ્યુનિટી પોલીસિંગ (૫) સેન્ટ્રલ અને સ્ટેટ પોલીસ ઓર્ગેનાઇઝેશન, માનવ વર્તણૂંક અને માનવ અધિકારનો સમાવેશ થાય છે. આ પુસ્તકો આગામી સમયમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ તેમજ કાયદાકીય સમજ વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, પોલીસ મહાનિરીક્ષક-વહીવટ શ્રી ગગનદીપ ગંભીર સહિત પોલીસ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts