ભુરખિયા ગામની દીકરીઓ, બહેનો અને ફઈનો અનોખો ‘સ્નેહ ઉત્સવ’ યોજાયો: રક્તદાન કેમ્પ સાથે પ્રેરણાદાયી આયોજન સુરત, ૧૩ જુલાઈ ૨૦૨૬:
ગઈકાલે તારીખ ૧૨.૦૭.૨૦૨૬ ને રવિવારના રોજ સુરતના મોટા વરાછામાં આવેલ આમંત્રણ ગાર્ડન હોટલ ખાતે સમસ્ત ભુરખિયા ગામની “દીકરી ફઈ બહેનો” માટે એક ભવ્ય અને યાદગાર ‘સ્નેહ ઉત્સવ’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૩:૦૦ વાગ્યાથી શરૂ થઈને રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ચાલેલા આ ઉત્સવમાં ગામની દીકરીઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉમટી પડી હતી.
આ સ્નેહ ઉત્સવનો મુખ્ય હેતુ ગામની દીકરીઓ વચ્ચે આત્મીયતા, એકતા અને પરસ્પર સંબંધો વધુ ગાઢ તથા મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પરસ્પર પરિચય અને અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિશેષ રૂપે, વર્ષો પછી ભેગી થયેલી બહેનો-દીકરીઓ દ્વારા ગામની જૂની વાતો વાગોળવામાં આવી હતી અને બાળપણમાં જે રમતો રમતા હતા તે રમત રમીને બાળપણની યાદો ફરી તાજી કરવામાં આવી હતી. આ મનોરંજક ક્ષણોએ સૌના દિલ જીતી લીધા હતા.રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન:સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આ પ્રસંગે જીવન જ્યોત બ્લડ કેમ્પ નું પણ ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુખ્ય અતિથિનું પ્રેરણાદાયી સંબોધન:આ વિશેષ પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર્તા અને યોગા ટીચર શ્રી સુરજભાઈ મિયાણી પોતાના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાંથી ખાસ સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં પ્રેમ, ખુશી અને લાગણીસભર વિચારો રજૂ કરીને ઉપસ્થિત તમામ બહેનો-દીકરીઓને અત્યંત પ્રભાવિત કરી પ્રેરણા પૂરી પાડી હતી. આ સાથે જ, સુરજભાઈ મિયાણી દ્વારા રાષ્ટ્રગાન તેમજ હનુમાન ચાલીસાનો પાઠ પણ ખૂબ સરસ રીતે કરાવીને બહેનોના મન મોહી લીધા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન ગામની દીકરીઓ અને બહેનો દ્વારા જ અંદરોઅંદર મળીને ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જે તેમની સંગઠન શક્તિ અને એકતા દર્શાવે છે. અંતમાં તમામ બહેનોએ સાથે મળીને સ્નેહભોજનનો આનંદ લીધો હતો.




















Recent Comments