અમરેલી

ટીંબલા ગામે નવા નીરના વધામણાં સાથે જળપૂજન, મંત્રી કૌશિક વેકરીયાએ પાણી સંરક્ષણનો સંદેશ આપ્યો

અમરેલી જિલ્લાના ટીંબલા ગામે નવા નીરના વધામણાં નિમિત્તે જળપૂજન કાર્યક્રમનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો તેમજ ખેડૂત ભાઈઓ સાથે મળીને જળપૂજન કરી કુદરતના અમૂલ્ય આશીર્વાદનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનોએ નવા પાણીના આગમનને પરંપરાગત રીતે વધાવી લીધું હતું. જળપૂજન દરમિયાન સૌએ પાણીના મહત્ત્વને સમજી તેના સંરક્ષણ અને સદુપયોગ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે પાણી માત્ર કુદરતી સંપત્તિ જ નહીં પરંતુ ખેડૂતોના જીવન અને ગ્રામ વિકાસનો આધારસ્તંભ છે. પાણીનો દરેક ટીપો બચાવવો અને તેનું યોગ્ય સંચાલન કરવું આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પાણી સંરક્ષણ, સિંચાઈ સુવિધાઓના વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે. ગ્રામજનોને પણ વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચયના કાર્યોમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂત ભાઈઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને ગ્રામીણ સુખાકારી, પાણીના સંવર્ધન અને કૃષિ વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Posts