સાવરકુંડલા તાલુકાના સુકનેરા ગામે નર્મદાના નવા નીરનું આગમન થતા ગામમાં હર્ષ અને આનંદનો માહોલ સર્જાયો હતો. આ અવસરે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પાલિકા પ્રમુખ નયનાબેન તથા ભાજપના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નર્મદાના પવિત્ર જળનું ફૂલોથી વધામણું કરી ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નર્મદા યોજનાને ગુજરાતના વિકાસ અને ખેડૂતો માટે જીવનદાયી યોજના ગણાવી હતી. તેમણે જણાવ્યું કે નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચતા ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે, પીવાના પાણીની સમસ્યામાં રાહત મળશે તેમજ કૃષિ અને ગ્રામ વિકાસને નવી ગતિ મળશે.
કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ ભારત માતા અને નર્મદા મૈયાના જયઘોષ સાથે નવા નીરનું સ્વાગત કર્યું હતું. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને લોકભાગીદારીના માહોલમાં યોજાયો હતો.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી કે નર્મદાના પાણીના સતત પુરવઠાથી વિસ્તારના ખેડૂતોને લાંબા ગાળે લાભ મળશે અને પાણીની અછતનો પ્રશ્ન હળવો બનશે.

















Recent Comments