સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી ઉત્કર્ષ અને લોકસુવિધામાં વધારો કરવાના આશય સાથે રૂ. ૮૯૦ લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સ્થાનિક નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલા વિકાસના પંથે અગ્રેસર બન્યું છે.
આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અને સર્કલનું નિર્માણ, જૈન બોર્ડિંગથી કાણકિયા કોલેજ સુધીના આઇકોનિક રોડ, કે.કે. હાઈસ્કૂલ પાસે આધુનિક પોલીસ ચોકી તેમજ પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે ઓવર હેડ ટાંકી અને સંપના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ નગરની સુરક્ષા કાજે ફાયર વોટર બાઉઝરનું લોકાર્પણ પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી એસ.પી. શ્રી સંજય ખરાત (IPS), પાલિકા પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ શ્રીમતી નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેન શ્રી જીગ્નેશભાઈ ટાંક સહિતના મહાનુભાવો અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિથી કાર્યોનો શુભારંભ થયો હતો.
પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે આ પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૨૦૦૦ વૃક્ષોના વાવેતરનો સરાહનીય કાર્યક્રમ પણ યોજાયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા સાવરકુંડલા નગરપાલિકા પ્રશાસને ભારે જહેમત ઉઠાવી હતી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

















Recent Comments