સાવરકુંડલા-હાથસણી રોડ છેલ્લા લાંબા સમયથી ભારે વિવાદોમાં ઘેરાયેલો છે. સરકાર દ્વારા આ રોડની કાયાપલટ કરવા માટે રૂપિયા ૪ કરોડ ૧૦ લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં, આજની તારીખે અહીં રોડ માત્ર એક નાના અમથા કટકામાં જ..! અહીં રોડ કરતા જીવલેણ ખાડાઓ વધારે જોવા મળી રહ્યા છે. જનતા ધૂળની ડમરીઓ અને અકસ્માતોનો સામનો કરી રહી છે. કટકે-કટકે બનેલા રોડમાં પણ ભ્રષ્ટાચારની તિરાડો!
આ રોડ જાણે એન્જિનિયરિંગનો અજૂબો હોય તેમ આડેધડ રીતે બનાવવામાં આવ્યો છે. રોડની એક બાજુ નાના નાના થોડાક આર.સી.સી. (RCC) રોડના કટકા બનાવવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુનો રસ્તો બિસ્માર અને ખાડાઓથી ખદબદતો રાખવામાં આવ્યો છે. અને નવાઈની વાત એ છે કે, જે નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં પણ અત્યારથી જ મોટી-મોટી તિરાડો પડી ગઈ છે! હલકી ગુણવત્તાના કામ અંગે સ્થાનિકોએ વ્યાપક ફરિયાદો કરવા છતાં, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવા કે દંડ ફટકારવાને બદલે માત્ર ‘લીપાપોતી’ કરી રિપેરિંગની સૂચના આપીને વહીવટી તંત્રએ આખો મામલો થાળે પાડી દીધો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
નગરપાલિકા અને જિલ્લા પંચાયત બંનેમાં સત્તાધારી પક્ષ ભાજપનું શાસન હોવા છતાં, આ બંને વિભાગો વચ્ચેના વહીવટી તાલમેલના અભાવે આખો રોડ અધ્ધરતાલ છે. રોડને નગરપાલિકા હસ્તક લેવા માટે ચીફ ઓફિસરને વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. મંજૂર થયેલા કરોડો રૂપિયામાંથી અમુક હિસ્સામાં આરસીસી રોડનું કામ બતાવી દેવાયું, પરંતુ બાકીના અંદાજે ૭ કિલોમીટરના રસ્તા પર હજુ સુધી ડામરકામ શરૂ જ કરવામાં આવ્યું નથી.
અગાઉ જ્યારે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ યોજાયો ત્યારે આ જ તંત્ર દ્વારા રાતોરાત રોડ ચકાચક કરી દેવામાં આવ્યો હતો. આ બાબતને ટાંકીને સ્થાનિક પ્રજા ઉગ્ર આક્રોશ સાથે પૂછી રહી છે કે, “શું સારા અને સુરક્ષિત રસ્તાઓ મેળવવાનો અધિકાર માત્ર VIP નેતાઓ અને અધિકારીઓને જ છે? કરદાતા સામાન્ય નાગરિકો માટે આવા નર્કાગાર જેવા રસ્તા કેમ?”
”કરોડોના બજેટ છતાં રોડની હાલત ઠેરની ઠેર છે. સીસી રોડમાં તિરાડો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. તંત્ર વહેલી તકે જાગે અને ગુણવત્તાયુક્ત આખો રોડ પૂર્ણ કરે તેવી અમારી માંગ છે.”
— જીગ્નેશભાઈ ભરાડ (કોંગ્રેસ પ્રભારી, સાવરકુંડલા)
”રોડ નગરપાલિકા હસ્તક લેવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર વામણું પૂરવાર થયું છે. વાહનચાલકો દરરોજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પ્રજાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલા આ ચેડાં હવે ચલાવી લેવાશે નહીં.”
— ભાવેશભાઈ બગડા (પૂર્વ નગરપાલિકા સદસ્ય, વોર્ડ નં. ૫)
આ રોડ જિલ્લા પંચાયતના પ્રમુખની પોતાની સીટ હાથસણી અને કાનાતળાવ જેવા મહત્વના ગામોને જોડતો હોવા છતાં આટલી હદે ઉપેક્ષિત છે તે સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું વહીવટી તંત્ર ક્યારે જાગશે અને ક્યારે અહીંના ત્રાસી ગયેલા લોકોને આ દયનીય અને જોખમી રસ્તામાંથી મુક્તિ મળશે. જેસર રોડ ભુવા રોડ અમરેલી રોડ અરે શહેરના જૈન બોર્ડિંગથી માલધારી ચોક સુધી આઇકોનિક રોડ બને તો સાવરકુંડલા શહેરનો આ હાથસણી રોડ કેમ ઉપેક્ષિત..

















Recent Comments