સરકાર દ્વારા ડિજિટલાઈઝેશનના મોટા-મોટા બણગાં ફૂંકીને શરૂ કરાયેલું ‘ઈ-નગર’ (e-Nagar) પોર્ટલ માત્ર પ્રજાને ગુમરાહ કરવા અને સરકારી નાણાંનો વ્યય કરવા માટેનું સાધન બની ગયું છે, તેવું સાવરકુંડલા નગરપાલિકાના કિસ્સામાં સાબિત થયુ છે
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. 6 ના જાગૃત સદસ્ય શ્રી *ધર્મેન્દ્રભાઈ પી. મહેતા* દ્વારા આ અંગે તંત્રની પોલ ખોલતો ઉગ્ર આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ, સાવરકુંડલા શહેરમાં લાંબા સમયથી રસ્તાઓ પર રખડતા આખલાઓનો આતંક ફેલાયેલો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે. આ મામલે સદસ્ય ધર્મેન્દ્રભાઈ મહેતાએ ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નં. *0182627003209* નોંધાવી રખડતા આખલાઓને પકડી પાંજરે પૂરવા રજૂઆત કરી હતી.
પરંતુ નગરપાલિકાના સંબંધિત અધિકારીઓ અને તંત્રએ કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વિના, સ્થળ પર આવ્યા વગર જ માત્ર કમ્પ્યુટર અને કાગળ પર જાદુઈ રીતે કામગીરી દર્શાવી આ ફરિયાદને ‘સફળતાપૂર્વક ઉકેલાઈ ગઈ છે’ તેમ કહી ક્લોઝ કરી દીધી છે. આ બાબતે જનતામાં ભારે હાસ્ય અને રોષ બંને ફેલાયો છે.
*ધર્મેન્દ્રભાઈ મહેતાનો આક્રોશ:*
“અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રજાને ગણકારતા નથી. કાગળ પર આખલા પકડાઈ ગયા પણ રસ્તા પર તો હજુ એ જ આતંક યથાવત છે! આ પોર્ટલ માત્ર શોભાનો નમૂનો છે. જો તંત્ર ઓનલાઈન સિસ્ટમના નામે આવી જ લાલિયાવાડી ચલાવવાનું હોય તો તાત્કાલિક ધોરણે આ પોર્ટલ બંધ કરવું જોઈએ.”
આ મામલે સદસ્યશ્રી દ્વારા ગાંધીનગર વહીવટી નગરપાલિકાના મુખ્ય નિયામકશ્રીને લેખિત રજૂઆત કરી નગરપાલિકાના એસી કેબિનોમાં બેસીને કાગળ પર ઘોડા દોડાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે

















Recent Comments