સાવરકુંડલા શહેર અને ખાસ કરીને વોર્ડ નંબર-૯ ના રસ્તાઓની હાલત હાલ અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે. રસ્તાઓ પર પડેલા મોટા-મોટા ગાબડાં અને ખાડાઓને કારણે સ્થાનિક રહીશો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગંભીર જનસમસ્યા અંગે સ્થાનિક સામાજિક અને યુવા કાર્યકર ઉવેજ કાદરીએ નગરપાલિકાના વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી ગંભીર આક્ષેપો કર્યા છે.
ગ્રાન્ટ હોવા છતાં તંત્રની ઉદાસીનતા
યુવા કાર્યકર ઉવેજ કાદરીએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા શહેરના રસ્તાઓના નવનિર્માણ અને રોડ રિસર્ફેસિંગ માટેની ગ્રાન્ટ લાંબા સમયથી પાલિકા પાસે ઉપલબ્ધ છે. આમ છતાં, વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા અને બેદરકારીને કારણે આ રકમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.
”શહેરના વિકાસ માટે અને પ્રજાની સુવિધા માટે ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર વપરાતી ન હોવાથી રસ્તાઓ દિવસેને દિવસે વધુ ખખડધજ બની રહ્યા છે. આ બિસ્માર રસ્તાઓને કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે.”
— ઉવેજ કાદરી (સામાજિક કાર્યકર)
રસ્તાઓની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને યુવા કાર્યકર ઉવેજ કાદરીએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે તંત્ર પોતાની કુંભકર્ણી નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર-૯ સહિત શહેરના તમામ મુખ્ય રસ્તાઓનું રિપેરિંગ અને રિસર્ફેસિંગ કામ શરૂ કરે, જેથી સ્થાનિક જનતાને આ પારાવાર મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે.


















Recent Comments