અમરેલી

મીડિયા રિપોર્ટની ધારદાર અસર: સાવરકુંડલાના હાથસણી રોડનું કામ શરૂ, પણ ધારાસભ્યની ટિપ્પણી સામે જનતામાં રોષ

લોકશાહીમાં મીડિયાને કેમ ચોથો સ્તંભ ગણવામાં આવે છે, તેનો ઉત્કૃષ્ટ પુરાવો તાજેતરમાં સાવરકુંડલામાં જોવા મળ્યો છે. સાવરકુંડલા-હાથસણી રોડની અત્યંત બિસ્માર હાલત અંગે સ્થાનિક રહીશો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોમરાયું હતું. પરંતુ મીડિયા દ્વારા આ મુદ્દે ધારદાર અને તથ્યસભર અહેવાલો પ્રસિદ્ધ કરાતાં જ આખરે જાગેલા તંત્રએ હાથસણી રોડ પર સમારકામની કામગીરી શરુ કરવાની ફરજ પડી છે.

ધારાસભ્યની ‘પ્રેસ નોટ’ વાળી ટિપ્પણી પર જનપ્રતિનિધિઓ અને સ્થાનિકોના આકરા પ્રહારો

​તાજેતરમાં જ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે “જનતાએ હવે પ્રેસ નોટની રાજનીતિ કે પરંપરામાંથી બહાર આવવું પડશે.” પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં સ્થાનિક રહીશો અને નગરપાલિકાના સદસ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

​લોકો વેધક સવાલો પૂછી રહ્યા છે કે:

“જો મીડિયામાં અહેવાલો ન ચમકે, તો શું તંત્ર ક્યારેય જાગે ખરું?”

​જનતા રજૂઆતો કરી કરીને થાકી ચૂકી હતી છતાં કોઈ જ સાંભળનાર નહોતું. આ ઘટના સાબિત કરે છે કે ધારાસભ્યશ્રીએ પોતે આવી ગંભીર લોકસમસ્યાઓ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે, ન કે રજૂઆત કરનાર જનતા કે મીડિયાની ભૂમિકા સામે સવાલો ઉઠાવવાની. 

*​મીડિયાના દબાણ બાદ તંત્રએ દોડધામ કરીને કામ તો શરૂ કરાવ્યું છે, પરંતુ કામગીરીની ગુણવત્તા સામે ફરી મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.* હાલ માત્ર લો-ક્વોલિટીના ડામરના થીગડાં મારીને તંત્ર સંતોષ માની રહ્યું હોવાનું સામે આવ્યું છે. મુખ્ય રસ્તાનું ૭ કિલોમીટરનું કામ હજુ પણ અધૂરું લટકે છે.

આમ તો આ સાવરકુંડલા હાથસણી રોડની અંદાજિત લંબાઈ ૭ કિલોમીટર છે. અને આ માર્ગ પર દરરોજ હજારો માણસો અવરજવર કરે છે. આ માર્ગ પર જ આગળ માનવ મંદિર, શિવદરબાર આશ્રમ, શેલ દેદૂમલ ડેમ આવેલ છે આ સંદર્ભે અનેક પ્રવાસીઓ પણ આ વિસ્તારની મુલાકાત લે છે. 

આવો મહત્વનો માર્ગ હોવા છતાં પણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સરહદમાં ગૂંચવાયેલ છે. આ વિસ્તારના લોકોએ આ રોડના રીસર્ફેસિંગ માટે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરી છે પરંતુ પરિણામ શૂન્ય. આખરે મિડિયા જગતની ધારદાર રજૂઆત સંદર્ભે તંત્ર સફાળું જાગતા હાલ થીંગડાં..!!!? 

*તંત્રની કામગીરીમાત્ર ડામરની  ગુણવત્તાના અંગે પણ લોકોમાં આશંકા જેવા મળે છે હાલ તો આ થીગડાંરાજ (પેચવર્ક) થાય છે.!!*

હવે ચોમાસું પણ છે એટલે કાયમી અને ગુણવત્તાયુક્ત કામ થશે કે બજેટનો વેડફાટ?

​સ્થાનિકોમાં હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કાયમી અને મજબૂત કામ પૂરું કરવામાં આવશે, કે *પછી માત્ર ચોમાસા પૂરતી આ લીપાપોતી કરીને કરોડો રૂપિયાના બજેટને સગેવગે કરી દેવાશે?* સાવરકુંડલાની જનતા હવે આ મામલે માત્ર કામ ચલાઉ ઉકેલ નહીં, પરંતુ ટકાઉ અને ગુણવત્તાયુક્ત રસ્તાની માંગ કરી રહી છે.

Related Posts