સાવરકુંડલાની ધીંગી ધરા પર આવેલ દેવળા ગેટ ખાતે ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, સાવરકુંડલા’ દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ-2026’ની અત્યંત ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. બે દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, દાતાઓ તેમજ હજારો ભક્તજનોએ ઉપસ્થિત રહી ઠાકોરજીના દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
ઉજવણીના પ્રારંભ રૂપે જન્માષ્ટમી પૂર્વે સાતમના દિવસે (તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ગુરુવાર) રાત્રે ૯ કલાકે દેવળા ગેટ ખાતે ઠાકોરજીના અદભુત અને અલૌકિક શણગારના દર્શનનો લાઈવ નજારો યોજાયો હતો. ત્યારબાદ જન્માષ્ટમીના પાવન દિવસે (તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬, શુક્રવાર) સવારે ૯-૩૦ કલાકે ઠાકોરજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે ૪ કલાકે વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો હતો.
જન્માષ્ટમીની રાત્રે ૯ કલાકે અમરેલીના ‘શ્રી હરિહર ડાન્સર્સ ગ્રુપ’ દ્વારા ‘ભવ્ય શ્યામોત્સવ’ નામનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો, જેમાં કલાકારોની પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. બરાબર રાત્રે ૧૨ ના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે મટકી ફોડ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઠાકોરજીની લાઈવ ઝાંખીના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કૃષ્ણ જન્મ બાદ ૧૫૧ કિલો કલર સાથે ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમૂહ મહાઆરતી બાદ યોજાયેલા લકી ડ્રોમાં ભાગ્યશાળી વિજેતાઓમાંથી પ્રથમ ૧૧ વિજેતાઓને ચાંદીના સિક્કા અને એક મુખ્ય વિજેતાને સોનાનો સિક્કો ઠાકોરજીના પ્રસાદ/આશીર્વાદરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજન દરમિયાન દેવળા ગેટ વિસ્તારમાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો. સાધુ-સંતો, દાતાઓ, આયોજકો અને સેવાભાવી કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સંસ્કૃતિ અને સામૂહિક આસ્થાનો અદભુત સંગમ બની રહ્યો હતો.

















Recent Comments