પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) અમરેલી અને જિલ્લા તાલીમ કેન્દ્ર સ્પીપા (SPIPA) ના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત “યુવા આપદા મિત્ર સ્કીમ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પૂર્વે પણ RTO અમરેલી દ્વારા દીપક હાઈસ્કૂલ અને વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ ખાતે સફળતાપૂર્વક આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજના આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને રોડ સેફ્ટી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ફોર-વ્હીલરમાં સીટબેલ્ટનો ઉપયોગ કરવો, લાયસન્સ મેળવ્યા બાદ જ વાહન ચલાવવું તેમજ અન્ડર-એજ (નાની ઉંમરે) ડ્રાઇવિંગ ન કરવા જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવા, ચાલુ વાહને કે સાયકલ પર સમાંતર ચાલીને વાતો ન કરવા અને રાત્રિના સમયે યોગ્ય રીતે ડ્રાઇવિંગ કરવાની સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. જો સગીર વયના (Under-age) બાળકો ડ્રાઇવિંગ કરશે અને અકસ્માત સર્જાશે, તો તેમના વાલીઓને ૩ વર્ષ સુધીની કેદની સજા, ₹૨૫,૦૦૦ સુધીનો દંડ તેમજ ૧ વર્ષ માટે વાહનની RC બુક સસ્પેન્ડ થવા પાત્ર રહેશે. રોડ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને “PM-RAHAT” યોજના હેઠળ કોઈ પણ હોસ્પિટલમાં ₹૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર છે. સાથોસાથ અકસ્માતના સમયે ત્વરિત મદદ કરનાર, ૧૦૮ ને સંપર્ક કરનાર કે ઇજાગ્રસ્તનો જીવ બચાવનાર વ્યક્તિને “રાહવીર યોજના” અંતર્ગત પ્રોત્સાહિત કરવા માટે માનનીય કલેક્ટરશ્રીના હસ્તે ₹૨૫,૦૦૦ સુધીનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.















Recent Comments