અમરેલી: માતૃભૂમિની સરહદો પર અપ્રતિમ શૌર્ય અને સમર્પણના પ્રતીકસમા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે “સરહદે સ્નેહની રાખડી” કાર્યક્રમનું અત્યંત ભાવસભર અને સંસ્કૃતિમય આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે, મા ભોમની રક્ષા કરતા સૈનિક ભાઈઓ પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા કોલેજની વિદ્યાર્થીની બહેનોએ ૬૦ પવિત્ર રાખડીઓ તથા સ્નેહ-સંવેદનાઓથી સભર પત્રો દિલ્હી સ્થિત આર્મી હેડ-ક્વાર્ટર ખાતે રવાના કર્યા હતા. દેશના સીમાડા સાચવતા વીર જવાનો સુધી બહેનોનો આ સ્નેહસેતુ પહોંચે તેવો આ મંગલ પ્રયાસ હતો.
આ સમગ્ર દેશભક્તિપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન અને સુચારૂ સંચાલન કોલેજના સીનિયર પ્રાધ્યાપક ડો. એમ. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા તથા પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ અને સમગ્ર ટીમે પ્રશંસનીય જહેમત ઉઠાવી હતી.
દીકરીઓ દ્વારા હાથ ધરાયેલા આ સાંસ્કૃતિક અને રાષ્ટ્રભાવનાથી સભર આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક ડો. અતુલભાઇ પટેલ તેમજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
















Recent Comments