ગાંધીનગર સચિવાલય ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ, અમરેલીના ટેક્નોરથ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિદ્યાર્થી નવપ્રવર્તકોને ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના ઉત્કૃષ્ટ અને સમાજલક્ષી કાર્ય બદલ અભિનંદન પાઠવતાં ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેમ , થ્રિડી પ્રિન્ટિંગ તથા અન્ય આધુનિક ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગામડાં અને સરકારી શાળાઓ સુધી આધુનિક ટેક્નોલોજીનું શિક્ષણ કેવી રીતે પહોંચાડ્યું છે તેની વિગતવાર માહિતી મેળવી રાજ્યપાલશ્રીએ તેમના કાર્યને ખૂબ જ પ્રેરણાદાયી અને અનુસરવા યોગ્ય ગણાવ્યું હતું.
ટેક્નોરથ એક વિદ્યાર્થી સંચાલિત મોબાઇલ ટેક્નોલોજી લેબ છે, જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ સુધી અનુભવ આધારિત અને આધુનિક ટેક્નોલોજી શિક્ષણ પહોંચાડવાનો છે. છેલ્લા માત્ર દોઢ મહિનામાં ટેક્નોરથ ટીમે અમરેલી જિલ્લાના 102 સરકારી શાળાઓમાં પહોંચી 21,215થી વધુ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), 3D પ્રિન્ટિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR), સેન્સર આધારિત રોબોટિક્સ તથા વિવિધ STEM પ્રવૃત્તિઓની સંપૂર્ણ નિઃશુલ્ક હેન્ડ્સ-ઓન તાલીમ આપી છે.
આ સમગ્ર અભિયાનની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓ જ ટ્રેનર બની અન્ય વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. પોતાના જ્ઞાન, કૌશલ્ય અને નવીન વિચારો દ્વારા તેઓ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ લાવી રહ્યા છે. આ પહેલના પરિણામે હજારો વિદ્યાર્થીઓને પ્રથમ વખત આધુનિક ટેક્નોલોજી સાથે પ્રત્યક્ષ કામ કરવાનો અવસર મળ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને “વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે”ના આ અનોખા મોડેલની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી પહેલો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને દેશના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે.
આ તકે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી. એસ. જોષી સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટેક્નોરથ સાથે જોડાયેલા વિદ્યાર્થી નવપ્રવર્તકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ નવીનતા, સંશોધન અને ટેક્નોલોજી દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત રહેવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કુલપતિ ડૉ. ટી. એસ. જોષી સાહેબ તરફથી મળેલા અભિનંદન અને આશીર્વાદ સમગ્ર ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ, અમરેલી, ટેક્નોરથ ટીમ તેમજ સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની છે. વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન, તક અને વિશ્વાસ મળે તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ નવીનતા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે પ્રેરણારૂપ કાર્ય કરી શકે છે. આ સન્માન ટેક્નોરથ ટીમને ભવિષ્યમાં વધુ વ્યાપક સ્તરે ટેક્નોલોજી શિક્ષણ પહોંચાડવા માટે નવી ઊર્જા અને પ્રેરણા પૂરું પાડશે.
















Recent Comments