અમરેલી

આદરણીય પદ્મશ્રી રતિલાલ બોરીસાગરનું રાજ્ય કક્ષાએ બહુમાન: નૂતન કેળવણી મંડળના કનુભાઈ ગેડિયાએ સન્માન પત્ર અને એવોર્ડ સ્વીકાર્યો

ગુજરાત રાજ્ય દ્વારા ૧૫મી ઓગસ્ટ, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાના વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠ અને મૂર્ધન્ય અનુભવીઓનું ગૌરવશાળી સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ ગૌરવવંતા સમારોહમાં માનનીય રાજ્યપાલ શ્રી તથા માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે જિલ્લાની પ્રતીકાત્મક અને પ્રતિષ્ઠિત હસ્તીઓને એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે ગુજરાતી હાસ્ય સાહિત્યના શિખર સમાન અને સાવરકુંડલાનું ગૌરવ એવા આદરણીય પદ્મશ્રી રતિલાલ બોરીસાગર સાહેબનું વિશેષ સન્માન જાહેર કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી રતિલાલ બોરીસાગર વતી આ સન્માન પત્ર અને એવોર્ડ સાવરકુંડલા નૂતન કેળવણી મંડળના અગ્રણી શ્રી કનુભાઈ ગેડિયાએ મહાનુભાવોના હસ્તે સાદર સ્વીકાર્યો હતો.

​આ નિમિત્તે સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ તથા સમગ્ર અમરેલી જિલ્લાના સાહિત્ય અને શિક્ષણ પ્રેમીઓએ હૃદયપૂર્વકનો આનંદ અને આભાર વ્યક્ત કર્યો છે. રતિલાલ બોરીસાગર સાહેબની સાહિત્યિક સેવાઓ અને યોગદાન બદલ મળેલું આ સન્માન સમગ્ર વિસ્તાર માટે અત્યંત ગૌરવની ક્ષણ બની રહી છે.

Related Posts