૧૫ મી ઓગષ્ટ – ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખી, બાળકોમાં રાષ્ટ્રપ્રેમ,
સર્જનાત્મકતા, ઊર્જા સંરક્ષણ તથા વીજ સલામતી અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે PGVCL લાઠી દ્વારા સ્ટાફ પરિવારના બાળકો માટે વિશેષ
ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા માટે “ઊર્જા સંરક્ષણ અને વીજ સલામતી” જેવો સમયોચિત અને PGVCLની કામગીરી સાથે સીધો સંબંધ ધરાવતો વિષય પસંદ
કરવામાં આવ્યો હતો. આ વિષય દ્વારા બાળકોને પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક અભિવ્યક્તિના માધ્યમથી વીજળીનો સમજદારીપૂર્વક
ઉપયોગ, ઊર્જાની બચત, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો તથા સુરક્ષિત જીવન માટેની જરૂરી સાવચેતી અંગેના સંદેશને ચિત્રોમાં રજૂ કરવાની
તક મળી હતી.
ચિત્ર સ્પર્ધામાં કુલ 15 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ ૧ થી ૯ સુધી અભ્યાસ કરતા તમામ નાનાં-મોટાં બાળકોએ
ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પનાને કાગળ પર રંગો દ્વારા જીવંત કરી હતી. દરેક બાળકના ચિત્રમાં વિષયને પોતાની
આગવી રીતે રજૂ કરવાનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો. કોઈ ચિત્રમાં ઊર્જા બચત માટે બિનજરૂરી લાઇટ-પંખા બંધ કરવાનો સંદેશ જોવા મળ્યો
હતો, તો કોઈ ચિત્રમાં સોલાર ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યની કલ્પના રજૂ કરવામાં આવી હતી. કેટલાક બાળકોએ વીજળીના
જોખમોથી સાવચેતી, તૂટેલા વીજતારથી દૂર રહેવા તથા વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ જેવા મહત્વપૂર્ણ સંદેશોને ચિત્રોમાં સુંદર રીતે ઉજાગર
કર્યા હતા.
તમામ બાળકોએ ખૂબ જ સુંદર ચિત્રો રજૂ કર્યા હોવાથી વિજેતાઓની પસંદગી પડકારરૂપ રહી હતી. ચિત્રોનું નિષ્પક્ષ અને પારદર્શક
મૂલ્યાંકન કરવા માટે ત્રણ સભ્યોની નિર્ણાયક સમિતિની રચના કરવામાં આવી હતી. નિર્ણાયક સમિતિમાં: કુ. કે. જે. બારૈયા – જુનિયર ઇજનેર,
શ્રી વી. એમ. ડાભી – સિનિયર આસિસ્ટન્ટ, શ્રી એસ. એચ. નિમ્બાર્ક – લાઇન ઇન્સ્પેક્ટર, નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા
ચિત્રોની વિષય સાથેની સુસંગતતા, સર્જનાત્મકતા, કલાત્મક રજૂઆત, રંગોની પસંદગી, ચિત્રની સ્વચ્છતા તથા રજૂ કરવામાં આવેલા સંદેશની
અસરકારકતા જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સુંદર અને સર્જનાત્મક ચિત્રોમાંથી નિર્ણાયક સમિતિ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય
વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પર્ધાના ત્રણેય
વિજેતા બાળકોને સૌની ઉપસ્થિતિમાં પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકો માટે આ ક્ષણ માત્ર પુરસ્કાર મેળવવાની
નહોતી, પરંતુ તેમની મહેનત, સર્જનાત્મકતા અને પ્રતિભાને મળેલું પ્રોત્સાહન હતી. રાષ્ટ્રધ્વજની સાક્ષીએ મળેલું આ સન્માન તેમના માટે યાદગાર
બની રહ્યું. સાથે સાથે, સ્પર્ધામાં ભાગ લેનાર પરંતુ વિજેતા ન બનેલા કોઈપણ બાળકનો ઉત્સાહ ઓછો ન થાય અને દરેક બાળકની ભાગીદારીને
યોગ્ય પ્રોત્સાહન મળે તે હેતુથી તમામ સહભાગી બાળકોને Drawing Kit ના સ્વરૂપે પ્રોત્સાહન ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ વિજેતા ધ્રુવી અલ્પેશભાઈ માલ ,દ્વિતીય વિજેતા તક્ષીલ પ્રફુલભાઈ ગામેતી તથા તૃતીય વિજેતા તરીકે એન્જલ
મહીપતભાઈ ગોહિલ ને જાહેર કરવામાં આવેલ .
આ પહેલ દ્વારા બાળકોમાં “ભાગ લેવો એ પણ એક સિદ્ધિ છે” એવો હકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. PGVCL લાઠી દ્વારા
આયોજિત આ ચિત્ર સ્પર્ધા માત્ર એક સ્પર્ધા બનીને ન રહી, પરંતુ બાળકોમાં ઊર્જા સંરક્ષણ અને વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું એક
સર્જનાત્મક માધ્યમ બની રહી.
ચિત્રોના માધ્યમથી બાળકોએ જે સંદેશ આપ્યો તે આવતીકાલના વધુ સુરક્ષિત અને ઊર્જા-સજાગ સમાજ માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને
વીજળી સાથે સંકળાયેલા ક્ષેત્રમાં કાર્યરત PGVCL પરિવારના બાળકો દ્વારા આવા વિષય પર પોતાની કલ્પના રજૂ કરવી એ કાર્યક્રમની વિશેષતા
રહી.
આ સમગ્ર આયોજનથી બાળ પ્રતિભાને પ્રોત્સાહન, પરિવારની ભાગીદારી, ઊર્જા
સંરક્ષણની સમજણ અને વીજ સલામતીનો સંદેશ—આ ચારેય બાબતોનો સુંદર સમન્વય જોવા
મળ્યો.















Recent Comments