સાવરકુંડલા શહેરના નાગનાથ સોસાયટી વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થાના બોરવેલમાં અચાનક યાંત્રિક ખામી સર્જાતાં સ્થાનિક રહીશોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક જ અઠવાડિયામાં બીજી વખત આવી યાંત્રિક ક્ષતિ સર્જાવાને કારણે લોકોમાં પાણી પુરવઠા સંદર્ભે ચિંતા વ્યાપી ગઈ હતી.
જોકે, નગરપાલિકા તંત્ર દ્વારા આ પરિસ્થિતિની ગંભીરતા સમજીને યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના વરસાદી વાતાવરણ વચ્ચે પણ તંત્રના કર્મચારીઓ અને કારીગરો પાણી વિતરણ વ્યવસ્થા વહેલી તકે પૂર્વવત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
વરસાદી માહોલ વચ્ચે પણ વાલ્વમેન રામભાઈ એક હાથે છત્રી પકડીને કામગીરી કરતા કારીગરોને સતત સહયોગ આપતા જોવા મળ્યા હતા. તંત્રની આ નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે બપોરે ૪:૦૦ વાગ્યે પાણી વિતરણ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.
વરસાદી વિઘ્ન વચ્ચે પણ તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ ઝડપી અને સરાહનીય કામગીરીને પગલે નાગનાથ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને કર્મચારીઓની તત્પરતાને બિરદાવી હતી.

















Recent Comments