અમરેલી

જન્માષ્ટમી પર્વે સાવરકુંડલા કૃષ્ણમય બન્યું: ૧૦૮ બાળ-કાનુડા સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રા ભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં અત્યંત ઉત્સાહ, શિસ્ત અને ધર્મભક્તિસભર વાતાવરણ વચ્ચે દિવ્ય શોભાયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સેનાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

​જેસર રોડ સ્થિત સનાતન આશ્રમ ખાતેથી પૂજા-અર્ચના સાથે પ્રસ્થાન થયેલી આ યાત્રામાં ૧૦૮ બાળ-કાનુડાઓનું દિવ્ય સ્વરૂપ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભ્રમણ કરી આ શોભાયાત્રા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે પહોંચી ભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના ગગનભેદી નારાઓથી સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું.

​આ મહાઉત્સવમાં સ્થાનિક સંતો-મહંતો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર કાર્યક્રમ સુચારુ રીતે પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

​શોભાયાત્રાને સફળ અને યાદગાર બનાવવા બદલ આયોજક મંડળ દ્વારા સંતો-મહંતો, દાતાઓ, સંસ્થાઓ, પોલીસ પ્રશાસન, મીડિયાકર્મીઓ તથા ધર્મપ્રેમી નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts