અમરેલી

‘સ્વચ્છ અમરેલી, હરિત અમરેલી’ના સંકલ્પ સાથે સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

અમરેલી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાને વેગ આપવા માટે સઘન સફાઈ, જળસંચય અને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અમરેલીના ઠેબી ડેમ ખાતે મંત્રી સહિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું.

અભિયાન અંતર્ગત ઠેબી ડેમના પાળ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડેમના પાળેથી ગાંડા બાવળ સહિતના બિનજરૂરી વનસ્પતિને દૂર કરી વિસ્તારને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો. સાથે જ જળસ્રોતોના સંરક્ષણ અને જળસંચય અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પર્યાવરણનું જતન અને હરિયાળું અમરેલી બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોની જાળવણી કરવા સૌને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા.

‘સ્વચ્છ અમરેલી, હરિત અમરેલી’ના સંકલ્પને સાકાર કરવા માટે સરકારી તંત્ર સાથે નાગરિકોની ભાગીદારી પણ મહત્વપૂર્ણ બની રહી છે. અભિયાન થકી સ્વચ્છતા, જળસંચય અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Related Posts