અમરેલી

શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરનો ૯૮મો જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઐતિહાસિક રીતે ઉજવાયો

સાવરકુંડલાની ધીંગી ધરા પર છેલ્લા ૯૭ વર્ષથી સતત ઉજવાતા અને સંસ્કૃતિ તથા પરંપરાના પ્રતિક સીમાચિહ્ન સમાન શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના જન્માષ્ટમી મહોત્સવે વર્ષ ૨૦૨૬માં ૯૮મા વર્ષમાં પ્રવેશ કરીને એક નવો જ ઐતિહાસિક કીર્તિમાન સર્જ્યો છે. તા. ૨ થી ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવમાં ધાર્મિક આસ્થા, સંગીત, સંસ્કૃતિ, શૈક્ષણિક ગૌરવ અને સામાજિક એકતાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

​સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાળા બિલ્ડિંગનું ઉદ્ઘાટન

​મહોત્સવના પ્રથમ દિવસે “જીવનની પગથાર – સંગીત સંધ્યા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને તેમના જીવનના વિવિધ પ્રસંગોને સંગીત, ભાવ, અભિનય અને સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા મંચ પર જીવંત કરવામાં આવ્યા હતા.

​આ પ્રસંગે વ્યાયામ મંદિરના નવા શાળા બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ સંપન્ન થયું હતું, જે પરંપરા અને આધુનિક શિક્ષણ વચ્ચેનો એક સુંદર સેતુ બની રહ્યું છે. ત્રણેય દિવસ દરમિયાન પ્રભાતફેરી, વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક આયોજનોથી સમગ્ર સાવરકુંડલાનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. અંતિમ દિવસે યોજાયેલ કૃષ્ણ જન્મ મહોત્સવમાં ભક્તિ, આનંદ અને *”નંદ ઘેર આનંદ ભયો”*ના નાદથી સમગ્ર સાવરકુંડલાની ધરતી ગુંજી ઊઠી હતી.

​નવા શાળા બિલ્ડિંગના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દાતાશ્રીઓ શ્રી પરશુરામભાઈ મહેતા, શ્રી બાદલભાઈ શાહ, શ્રી પવનભાઈ શાહ અને શ્રી ધર્મેન્દ્રભાઈ બગડાની વિશેષ ઉપસ્થિતિએ આ પ્રસંગને ગૌરવન્વિત કર્યો હતો. તેમના આ યોગદાનથી આવનારી પેઢીઓના શિક્ષણ માટે એક મજબૂત પાયો નંખાયો છે.

​આ ઐતિહાસિક મહોત્સવમાં અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી નયનાબેન કાપડિયા, શ્રી દીપકભાઈ માલાણી તથા ખેડૂત વર્ગ, રોટરી ક્લબના સભ્યો, ડીવાયએસપીશ્રી અને પીઆઈશ્રી  સહિતના અનેક રાજકીય, સામાજિક અને વહીવટી મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

​આ ભવ્ય મહોત્સવની સફળતા પાછળ શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ પારેખ, શ્રી વિનુભાઈ રાવળ , શ્રી દીપકભાઈ શેઠ, શ્રી ગુણુભાઈ ત્રિવેદી અને શ્રી પરેશભાઈ શિયાળનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું.

​કન્વીનર શ્રી મુકુંદભાઈ નાગ્રેચા અને શ્રી કેતનભાઈ ખુમાણ તથા તેમની ટીમે આયોજનને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત, શાળા વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ શ્રીમતી રેખાબેન, શ્રી ધર્મેશભાઈ અને શ્રી વજુભાઈ તથા સંસ્કાર વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી કેતનભાઈ રાવલ સહિતના સ્ટાફ, તમામ શિક્ષકો, નોન-ટીચિંગ સ્ટાફ અને કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

​આ ૯૮મો જન્માષ્ટમી મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સાવરકુંડલાની સંસ્કૃતિ, પરંપરા, શૌર્ય અને સામાજિક એકતાનો જીવંત વારસો બની રહ્યો છે. “પરંપરા જ્યારે નવી પેઢીની ઊર્જા સાથે જોડાય છે ત્યારે ઐતિહાસિક સર્જન થાય છે” એ મજબૂત સંદેશ આ મહોત્સવે સમગ્ર સમાજને આપ્યો છે.

Related Posts