સાવરકુંડલા શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડેલા વિશાળ ખાડાઓએ નગરપાલિકા તંત્ર અને માર્ગ નિર્માણની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે છેવાડાના વિસ્તારો, ચોતરફ ખાડા અને ભરાયેલા પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ માત્ર વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી નથી કરતી, પરંતુ ગંભીર દર્દીઓ માટે પણ ‘લાઈફ સેવિંગ’ સમય બગાડીને જીવનું જોખમ ઊભું કરી રહી છે.
૧૦૮ અને ઈમરજન્સી વાહનોની ગતિ પર બ્રેક જ્યારે તંત્ર દ્વારા ‘સેઈફ કોરિડોર’ અને ઝડપી ગતિશીલતાના મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે વાસ્તવિકતામાં આ ખાડા અને નબળી ગુણવત્તાના રસ્તાઓ જ મોટી બાધા બને છે. *ઈમરજન્સી સમયે હોસ્પિટલ પહોંચવા નીકળેલી ૧૦૮ એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ખાડાઓને કારણે સમયસર પહોંચી શકતા નથી,* જેના લીધે દર્દી સમયસર સારવાર ન મળતા જીવ ગુમાવે તેવી ભીતિ સેવાઈ રહી છે.
*‘આપણું કુંડલા પત્રકાર પાંધી સર’ દ્વારા ‘ખાડારાજ’ અંગે ચલાવવામાં આવતી ઝુંબેશ દરમિયાન પત્રકારને પોતાને જ આ સ્થિતિનો કડવો સ્વ-અનુભવ થયો હતો. ખોડિયાર ચોક નજીકથી પસાર થતી વખતે ખાડામાં ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થયેલા વાહનના છાંટા ઉડતા તેમના કપડાં અને થેલી બગડી ગયા હતા.* આ ઘટના સાબિત કરે છે કે સામાન્ય નાગરિકો, વૃદ્ધો અને બાળકો રોજ કેવી યાતનાઓ ભોગવી રહ્યા છે.
કપડાંનો પણ ‘ઇન્સ્યોરન્સ’ લેવો પડે તેવી સ્થિતિ! સ્થાનિક લોકો હવે વ્યંગમાં કહી રહ્યા છે કે *ચોમાસામાં નવા વસ્ત્રો પહેરીને કોઈ શુભ પ્રસંગે કે કામસર બહાર નીકળતી વખતે કપડાંનો પણ વીમો (ઇન્સ્યોરન્સ) લેવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે કયો વાહનચાલક ખાડાનું ગંદુ પાણી ઉડાડીને કપડાં બગાડી દેશે તેની કોઈ ગેરંટી નથી.* માત્ર ચોમાસું જ નહીં પરંતુ બારે માસ રોડ પરના ખાડા એ વિકાસની વાતો વચ્ચે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન છે. ખાડાઓ તારવતી વખતે અકસ્માતોની સંખ્યા વધે છે અને ખાડામાં પગ પડવાથી ખાસ કરીને વૃદ્ધજનો બેલેન્સ ગુમાવીને ફ્રેક્ચર જેવી ઈજાઓનો ભોગ બને છે. હવે ગુલાબી વાતો છોડીને નગરપાલિકા તંત્ર, સ્થાનિક પ્રશાસન અને ધારાસભ્યશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ખાડાઓનું કોંક્રીટ વર્ક સાથે ટકેઉ સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


















Recent Comments