આજરોજ અમરેલી સ્થિત વિદ્યાસભા સ્કૂલ ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર-અમરેલી દ્વારા આયોજિત “સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ“ દેશભક્તિના ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ ભવ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ વિશેષ પ્રસંગે દેશની સરહદોની રક્ષા કાજે રાત-દિવસ ખડેપગે રહેતા અમરેલી જિલ્લાના વીર જવાનોના પરિવારો તેમજ માતૃભૂમિ કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોના પરિવારોનું હૃદયપૂર્વક બહુમાન અને સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધન કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, આપણા દેશની સરહદો અને રાષ્ટ્રની સુરક્ષાનું ભગીરથ કામ દેશના વીર જવાનો કરી રહ્યા છે. જવાનો પોતાના સુખ-ચેનનો ત્યાગ કરીને સરહદોની સુરક્ષા કરે છે, જેના કારણે આજે દેશ સુરક્ષિત છે. રાજ્યમંત્રીશ્રીએ જવાનોની ફરજનિષ્ઠાને બિરદાવતા ઉમેર્યું કે, ધોમધખતા ઉનાળાની આકરી ગરમી હોય, કે પછી હાડ થીજાવતી શિયાળાની બરફીલી ઠંડી, તમામ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણા બહાદુર જવાનો દેશની સરહદો પર ચોવીસ કલાક ખડેપગે રહી રક્ષણ કરે છે.
ઉલ્લેખનીય છે, કે આજે આપણે સૌ નાગરિકો આપણા ઘરોમાં અને વતનમાં કોઈપણ પ્રકારના ભય વિના જે નિર્ભય શ્વાસ લઈને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છીએ, તેની પાછળ દેશના આ વીર જવાનોની નિઃસ્વાર્થ સેવા, રાષ્ટ્રભક્તિ અને અપ્રતિમ સમર્પણ ભાવ રહેલો છે. જવાનોની સાથે સાથે તેમના પરિવારોનો ત્યાગ પણ એટલો જ મોટો છે, જેઓ પોતાના વ્હાલસોયાને દેશસેવા માટે સરહદ પર મોકલે છે. તેથી, આ વીર પુત્રો અને તેમના પરિવારો પ્રત્યે સન્માન વ્યક્ત કરવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે.
આ સન્માન સમારોહમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લા પંચાયત હોદ્દેદારશ્રીઓ, વિદ્યાસભા સ્કૂલ કેમ્પસના ડિરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર સહિતના અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં વીર જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments