ગામડાંમાંથી સતત યુવાનો અને પરિવારો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ગામડાંના વિકાસ અને પાયાની સુવિધાઓ અંગે ગંભીર ચર્ચા કરવાની જરૂર છે. આ મુદ્દાને લઈને તાલુકા પંચાયતના સભ્ય નિર્મળ વાટલિયા દ્વારા આજે સાવરકુંડલા તાલુકા પંચાયત ની સામાન્ય સભા મા રજૂઆત સાથે પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.
નિર્મળ વાટલિયાએ જણાવ્યું હતું કે, “ગામડાંમાં રોજગારની તકો, સારા રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નહીં બને તો ગામડાં ખાલી થતાં જશે. આજે અનેક ગામોમાં ઘેર-ઘેર તાળા જોવા મળી રહ્યા છે અને યુવાનો રોજગાર માટે શહેરોમાં જવા મજબૂર બની રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાંમાંથી થતા પલાયનને માત્ર વ્યક્તિગત સમસ્યા તરીકે નહીં પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને ગામડાંના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર પ્રશ્ન તરીકે જોવાની જરૂર છે.
“તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગામડાંમાંથી થઈ રહેલા પલાયન અંગે સત્તાવાર ચર્ચા કરવામાં આવે અને ગામડાંમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવે,” તેવી માંગ નિર્મળ વાટલિયાએ કરી હતી.
તેમણે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને પંચાયતની ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ કરીને ગામડાંને સુવિધાસભર અને રોજગારલક્ષી બનાવવાની પણ માંગ કરી હતી.
ગામડાંમાં સુવિધા આપો, પલાયન પર ચર્ચા કરો : નિર્મળ વાટલિયા



















Recent Comments