અમરેલી

ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધારી તાલુકાના માધુપુર ગામે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માધુપુર ગામે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આશરે રૂ. ૧૭ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણથી ગ્રામજનોને સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સેવાઓ વધુ સુલભતાથી મળી રહેશે.

આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા વિકાસલક્ષી નિર્ણયોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન વિસ્તારવાના કામ માટે રૂ. ૧૫૦ કરોડથી વધુ રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીથી તળાવો ભરીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં મદદ મળશે. અમરેલી જિલ્લામાં સૌની યોજનાની પાઇપલાઇનની સોર્સથી હાલની ત્રણ કિલોમીટરની વિસ્તાર મર્યાદા વધારીને સાત કિલોમીટર સુધી કરવામાં આવશે, જેના પરિણામે પાણીની ઉપલબ્ધતા વધારવા અને ખેતીને વધુ સુવિધાજનક બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લાના નાગેશ્રીથી શરૂ થતા નેશનલ હાઈવેના અપગ્રેડેશન માટે સાંસદશ્રીની રજૂઆતને સફળ પ્રતિસાદ મળ્યો છે. આગામી દિવસોમાં આશરે રૂ. ૨,૧૫૨ કરોડના ખર્ચે નેશનલ હાઈવેનું નીવનિકરણ થશે. આમ સરકાર અમરેલી જિલ્લાના વિકાસ માટે અનેકવિધ કામો મંજૂર કરી રહી છે.

આ પ્રસંગે મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે માધુપુર ગામે લોખંડી પુરુષ અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, શ્રી ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી કિશોરભાઈ ડોબરિયા, ધારીના પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ, સરપંચ શ્રી વિક્રમભાઈ જીયાણી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts