મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં ૧૦૧ કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના ચાણક્યપૂરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાદાનમાં સહભાગી થવાની સાથે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં ૨૫ વર્ષ નિમિત્તે વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત થયેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત સેવા હી સાધના અન્વયે આ નવાં ૧૦૧ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. હવે રાજ્યના બધા જ ૩૪ જિલ્લાઓમાં કુલ ૩૯૪ કેન્દ્રો પરથી શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળતો થશે.વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા શ્રમિકોના કલ્યાણ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૭થી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.
આ યોજના હેઠળ અગાઉ રાજ્યના ૨૦ જિલ્લાઓમાં કુલ ૨૯૩ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત હતાં. આ કેન્દ્રો દ્વારા દરરોજ સરેરાશ ૩૫ હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે.
નવાં કેન્દ્રોનો ઉમેરો સાથે દૈનિક ભોજન વિતરણમાં અંદાજે ૧૦ હજાર ભોજનનો વધારો થશે, તેથી હવે દરરોજ અંદાજે ૪૫ હજાર ભોજનનું વિતરણ કરી શકાશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આપવામાં આવતા ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અઠવાડિયામાં એક વાર સુખડી અને શીરા જેવાં મિષ્ટાન પણ આપવામાં આવે છે. આ યોજનાથી શ્રમિકોને સરળતાથી પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજનના ખર્ચમાં પણ રાહત મળે છે.શ્રમિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કડિયાનાકા ખાતેના સ્થાયી શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરાંત, જે બાંધકામ સાઇટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય, ત્યાં ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં બાંધકામ સાઇટ પર અંદાજે ૨૭ લાખ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યના બાંધકામ શ્રમિકોના આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન અને સામાજિક સુરક્ષા સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં કલ્યાણ માટે ૨૩ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના આ કલ્યાણકારી પહેલનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આ અવસરે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments