ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ(NMHC)ની મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી વિરાસત ભી’ના સૂત્રને ચરિતાર્થ કરતા દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ (NMHC)ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના આ ઐતિહાસિક સ્થળે આકાર પામી રહેલા લોથલના આ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટના વિવિધ વિકાસકાર્યોના નિર્માણની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આકાર પામી રહેલા આ કોમ્પલેક્ષ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ, ગેલેરીઓ તેમજ વિશ્વના સૌથી ઊંચા ‘લાઈટહાઉસ મ્યુઝિયમ’નું નિર્માણ થઈ રહ્યું છે. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર ચાલી રહેલી તમામ કામગીરી અને પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષના પ્રથમ તબક્કા (Phase-1) અને દ્વિતીય તબક્કા (Phase-2) હેઠળ આકાર પામનારી વિવિધ સુવિધાઓ, સાઈટની વિશેષતાઓ, અત્યાર સુધી પૂર્ણ થયેલ તથા આગામી સમયમાં નિર્માણ થનારા વિકાસકાર્યો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ માટે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનનારા આ કોમ્પલેક્ષની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગેની સમીક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુખ્યમંત્રીશ્રીની મુલાકાત સમયે ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, પ્રવાસન વિભાગના સચિવ ડૉ. કુલદીપ આર્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર શ્રી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, NMHCના ચીફ ઓફ ગેલેરીઝ પ્રોફેસર વસંત શિંદે, રેન્જ આઇજી શ્રી રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા પોલીસ વડા શ્રી ઓમપ્રકાશ જાટ તેમજ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts