રંગબેરંગી પતંગો, તલના લાડુની મીઠાશ અને ‘એ કાપ્યો છે’ ના ગુંજારવ સાથે સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસિયાઓના હબ ગણાતા આ શહેરમાં અમદાવાદ જેવો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ અગાસીઓ પર ડેરાતંબુ તાણીને બેસી ગયા હતા.
ખાન-પાન અને ઉત્સાહનો સંગમ
સાવરકુંડલાના લોકો માટે મકરસંક્રાંતિ એટલે માત્ર પતંગબાજી નહીં, પણ સ્વાદનો ઉત્સવ. બપોરના સમયે અગાસીઓ પર જ ઊંધિયું, રોટલી, બાસુંદી અને રબડીના જમણ જામ્યા હતા. દિવસભર શેરડી, ચવાણું, તલ-મમરાના લાડુ અને સીંગની ચીક્કીની જયાફત ઉડાવતા લોકો જોવા મળ્યા હતા. શહેરની બજારોમાં પણ શેરડી અને ઊંધિયાનું વેચાણ ચપોચપ થઈ ગયું હતું.
જો કે, આ વર્ષે કુદરતે પતંગબાજોની થોડી કસોટી કરી હતી. સવારથી જ પવનની ગતિ ધીમી રહેતા ઘણા પતંગ રસિયાઓના પતંગો ઉડાવ્યા વગર જ પડી રહ્યા હતા. પવન પૂરી યારી ન આપતા પતંગબાજોમાં થોડી નિરાશા વ્યાપી હતી, નાના ભૂલકાઓ ફુગ્ગાઓ તેમજ ભિન્ન ભિન્ન આકૃતિ દર્શાવતા મોર, માછલી જેવા ગેસ ભરેલા ફુગ્ગાઓ ઉડાડી પતંગ ઉડાડવાનો નિર્દોષ આનંદ લેતા જોવા મળેલ. જેવા પતંગ કપાય ત્યારે એ કાપી.. એ ગઈ જેવા નાદથી આકાશ ગુંજી ઊઠ્યું જો કે પવનનું પ્રમાણ ઓછું હતું પણ બ્યુગલોના નાદ અને ફિલ્મી ગીતોની રમઝટ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સાવરકુંડલાની સેવાકીય પરંપરા પણ અકબંધ રહી હતી.
વહેલી સવારથી જ ગાયોને ઘાસચારો અને ઘઉં-બાજરીની ઘુઘરી ખવડાવવા લોકોની ભીડ જામી હતી. શ્વાનોને લાડુ અને રોટલા પીરસીને લોકોએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્રાહ્મણોને સીધું અને દાન-દક્ષિણા આપી નગરજનોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
આમ, પવનની ઓછી ગતિ વચ્ચે પણ સાવરકુંડલાના શહેરીજનોએ પૂરા ઉમંગ અને ભક્તિભાવ સાથે મકરસંક્રાંતિના પર્વને યાદગાર બનાવ્યું હતું.

















Recent Comments