અમરેલી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી સાવરકુંડલામાં શિસ્તબદ્ધ ‘પથ સંચલન’ અને વિજયા દશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના ગૌરવશાળી શતાબ્દી વર્ષ નિમિત્તે, આજે સાવરકુંડલા નગરમાં રાષ્ટ્રભાવના અને શિસ્તના અદ્ભુત દર્શન કરાવતા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દી વર્ષના આ પાવન અવસરે, સંઘના  સ્વયંસેવકોએ પોતાની રાષ્ટ્રીય સેવા અને શિસ્તબદ્ધ આચરણથી નગરનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છલકાવી દીધું હતું. શિસ્તબદ્ધ પથ સંચલન દ્વારા રાષ્ટ્રશક્તિનું પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ સાંજે ૪:૩૦ વાગ્યે જે.વી. મોદી હાઈસ્કૂલ મેદાન ખાતેથી ભવ્ય પથ સંચલન દ્વારા થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં અપ્રતિમ શિસ્ત સાથે નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું. માર્ગો પર મોટી સંખ્યામાં હાજર રહેલા નગરજનોએ ઉષ્માભર્યો આવકાર આપી  સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.

પથ સંચલન બાદ સાંજે ૫:૧૫ વાગ્યે જે.વી. મોદી હાઈસ્કૂલ મેદાન ખાતે વિજયા દશમી ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે  મુકેશભાઈ દાફડા (એસ.ટી. કંડક્ટર તથા ભજનીક રચયિતા) અને મુખ્ય વક્તા તરીકે કિશોરભાઈ મુંગલપરા (પ્રાંત કાર્યકારી મંડળ સદસ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિ મુકેશભાઈ દાફડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સમાજ સુધારણાનું કામ પોતાનાથી શરૂ કરીને અન્ય લોકોને જોડતા જવું જોઈએ. તેમણે ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરીને ધર્મની સુંદર વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ધર્મ એટલે માનવ માનવને કામ આવે અને માનવ પોતે પોતાનું જીવન વ્યવસ્થિત જીવે. તેમણે યુવાનોમાં વધતા જતા વ્યસન અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો વ્યસનોથી મુક્ત બને તે ખૂબ આવશ્યક છે. મુખ્ય વક્તા કિશોરભાઈ મુંગલપરાએ પોતાના ઉદ્બોધનમાં રાષ્ટ્રસેવા, સંસ્કાર અને સંગઠનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સંઘની ૧૦૦ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાને યાદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિસ્ત, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવના જ સંઘને વિશ્વનું  મોટું સ્વૈચ્છિક સંગઠન બનાવે છે. આ પ્રસંગે સાવરકુંડલાના મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી સંઘના આયોજનને સફળ બનાવ્યું હતું.

Related Posts