ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા
‘રોડ સેફ્ટી કાઉન્સિલની’ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતીને વધુ સુદ્રઢ બનાવવા માટે
વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા
કરતાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના નિર્માણ માટે જરૂરી કાર્યવાહી હાથ
ધરવા,તાજેતરમાં રીંગ રોડથી ટોપ-૩ તરફ જતાં માર્ગ પર બનેલા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુની
ઘટનાને ધ્યાનમાં લઈ અકસ્માતગ્રસ્ત સ્થળે તાત્કાલિક રોડ સેફ્ટી મેજર્સ અમલમાં મૂકવા તથા ભવિષ્યમાં આવા
અકસ્માતો નિવારી શકાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભાવનગર-મહુવા હાઈવે પર બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા મિડિયન કટ્સ દૂર કરવા,
મહુવા નજીક ઉમણીયાવદર ગામ પાસેના મિડિયન ઓપનિંગ અંગે માર્ગ સલામતીના ધોરણો મુજબ જરૂરી કાર્યવાહી
કરવા સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ લાયસન્સ વગર વાહન ચલાવતા વાહનચાલકો, નિયત ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરતા
વાહનો તેમજ શાળાના બાળકોને જોખમી રીતે પરિવહન કરતા વાહનચાલકો સામે નિયમોનુસાર કડક કાયદાકીય
કાર્યવાહી હાથ ધરવા પણ સૂચના આપી હતી.
માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદરૂપ થતી રાજ્ય સરકારની ‘રાહવીર યોજના’ તેમજ કેન્દ્ર
સરકાર પુરસ્કૃત ‘PM Rahat Scheme’નો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે વ્યાપક જનજાગૃતિ અને
અસરકારક પ્રચાર-પ્રસાર અભિયાન હાથ ધરવા અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આર.ટી.ઓ.) શ્રી આર.પી. દાણીએ પાવર પોઇન્ટ
પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગ સલામતી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર
અહેવાલ રજૂ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, ટ્રાફિક
ટ્રેનરશ્રી અજયસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments