પ્રગતિના પંથ પર ડગલાં
નવાં ભરાયાં છે,
વિકાસના આ સેતુથી
અંતર ભૂંસાયાં છે.
સફર બનશે હવે સુરક્ષિત
ને સહજ સૌની,
કુંડલાના આંગણે આજે
ઉજાસ ફેલાયા છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેર અને આસપાસના પંથકની જનતા માટે રેલવે મુસાફરીને વધુ આધુનિક, સુગમ અને સુરક્ષિત બનાવવાના લક્ષ્ય સાથે આજે સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત થયું છે. મુસાફરોની લાંબા સમયની માંગણીને સંતોષતા, ૧૨ મીટરની વિશાળ પહોળાઈ ધરાવતા અદ્યતન ‘ફૂટ ઓવર બ્રિજ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીના હસ્તે આ બ્રિજને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સાથે જ રેલવે સ્ટેશન નજીકની ખુલ્લી જમીન માટે પ્રોટેક્શન વોલનું પણ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
૧૨ મીટરની પહોળાઈ ધરાવતો આ નવો બ્રિજ મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે સક્ષમ છે. અત્યાર સુધી પ્લેટફોર્મ બદલવા માટે મુસાફરોને જે અગવડતા પડતી હતી, તેનો હવે કાયમી ઉકેલ આવ્યો છે. આધુનિક ઢબના આ બ્રિજથી વૃદ્ધો અને બાળકો સહિતના તમામ મુસાફરો સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, “વિકાસની ગતિને વેગ આપવા માટે ટ્રાન્સપોર્ટ અને પાયાની સુવિધાઓ મજબૂત હોવી અનિવાર્ય છે. આ બ્રિજ સાવરકુંડલાના નાગરિકો માટે સુવિધાનો નવો માર્ગ ખોલશે.” રેલવે તંત્ર અને સ્થાનિક તંત્રના સમન્વયથી થયેલા આ કાર્ય બદલ મુસાફરો અને ભાજપના કાર્યકર્તાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.



















Recent Comments