ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમરેલી શહેરમાં નાગનાથ મંદિર ખાતે કડિયા નાકા પાસે શરૂ કરવામાં આવેલા શ્રમિક અન્નપૂર્ણા બૂથનું રાજ્યના ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના હાથે શ્રમિકોને ભોજન પીરસીને બૂથનો પ્રારંભ કરાવ્યો હતો.
“શ્રમિક અન્નપૂર્ણા યોજના” અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને માત્ર રૂ. ૫માં ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. ઉપરાંત, અઠવાડિયામાં એક વખત સુખડી જેવા મિષ્ટાનનો પણ ભોજનમાં સમાવેશ કરવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં શ્રમિકોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે અમરેલી ઉપરાંત સાવરકુંડલામાં ગાંધી ચોક ખાતે, રાજુલામાં સિવિલ હોસ્પિટલ પાસે, ધારીમાં નવી વસાહત રોડ પર પીકઅપ સ્ટેન્ડ પાસે તેમજ કુકાવાવમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલા કડિયા નાકા ખાતે પણ શ્રમિક અન્નપૂર્ણા બૂથ શરૂ કરવામાં આવ્યાં છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકશે. લાભાર્થીએ પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને ભોજન કેન્દ્ર પર જવાનું રહેશે. કાર્ડ પર દર્શાવેલા નંબર અથવા ક્યુ.આર. કોડનું સ્કેનિંગ કરાવીને રૂ. ૫માં ભોજન મેળવી શકાશે. શ્રમિકો આ ભોજન કેન્દ્ર પર બેસીને જમવા ઉપરાંત ટિફિનમાં ઘરે પણ લઈ જઈ શકશે.
જે બાંધકામ શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ઉપલબ્ધ ન હોય, તેમના માટે પણ બૂથ ખાતે જ હંગામી નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા શ્રમિકો હંગામી નોંધણી કરાવીને ૧૫ દિવસ સુધી ભોજનનો લાભ મેળવી શકશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના બાંધકામ શ્રમિકોને પોષણક્ષમ ભોજન ઉપલબ્ધ કરાવવાની સાથે તેમના રોજિંદા જીવનમાં આર્થિક રાહત પૂરી પાડવામાં સહાયક બની રહી છે. શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા વિવિધ બૂથ ઉપયોગી બનશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, અમરેલી તાલુકાના અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી, વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments