અમરેલી

અમરેલી જિલ્લાનાં ૧૧ તાલુકાઓમાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાશે

અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં તા.૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન ઉજવણીની સાથે રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે.

બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા રવિ પાકો વિશે અને આધુનિક કૃષિ તાંત્રિકતા માટે પરિસંવાદ દ્વારા ખેડૂતોનું માર્ગદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત નવીન કૃષિ ટેકનોલોજી આધારિત પ્રદર્શન, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ, જિલ્લાના ખેડૂતોને જુદી જુદી યોજનાઓ હેઠળ સહાયનો વિતરણ, બે દિવસીય પશુ આરોગ્ય મેળોઓ પણ યોજાશે.

રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની પણ મુલાકાત કરાવવામાં આવશે, અહીં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો પણ પોતાના અનુભવો જણાવશે.

જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ અમરેલીમાં કડવા પટેલ સમાજ વાડી, નારાયણ નગર શેરી નં. ૮, હનુમાનપરા રોડ ખાતે અને તાલુકાકક્ષાના રવિ કૃષિ મહોત્સવ બાબરા ખાતે દસલાણીયા વાડી, જલારામ મંદિર પાસે, અમરેલી રોડ, બગસરામાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર- કુકાવાવ રોડ, ધારીમાં અરૂણ મુછાળા કોલેજ-સરસીયા રોડ, જાફરાબાદમાં નગરપાલિકા સેવાસદન ટાઉનહોલ ખાતે, ખાંભામાં જે.એન.મહેતા હાઇસ્કુલ,એસ.બી.આઇ.બેંકની સામે, લાઠીમાં એ.પી.એમ.સી.- લાઠી ખાતે, લીલીયામાં એ.પી.એમ.સી.- લીલીયા, રાજુલામાં લુહાર-સુથાર વિધાર્થી ગૃહની વાડી, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરની પાસે, સાવરકુંડલામાં માર્કેટીંગ યાર્ડ ખાતે અને કુંકાવાવ – વડિયા તાલુકાનો મોટી કુકાવાવમાં પટેલ સમાજની વાડી, અમરેલી રોડ ખાતે યોજાશે. રવિ કૃષિ મહોત્સવનો સમય સવારે ૦૯ કલાકેથી સાંજના ૦૫ વાગ્યા સુધીનો રહેશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રવિ કૃષિ મહોત્સવનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts