અમરેલી

સાવરકુંડલાના નાવલી નદીના પુલ પર જોવા મળ્યો સાધુનો અનોખો અંદાજ: સંસારની મોહમાયાથી પર અલગારી મિજાજ

મળે ક્યાંથી પરમાનંદ 

આવા વૈભવની બજારમાં?

સુખ તો એ જ લૂંટે છે, 

જે મસ્ત છે સદૈવ પોતાની ધૂનમાં.

–“પાંધી સર”

કહેવાય છે ને કે સાધુનો મિજાજ હંમેશાં અલગારી હોય છે, તેમને દુનિયાના કોઈ નિયમો કે ભૌતિક સુખો બંધનકર્તા નથી હોતા. આવી જ એક અદભુત અને અનોખી ઝાંખી સાવરકુંડલામાં નાવલી નદીના પુલ પર, પોલીસ ચોકીની બિલકુલ નજીક જોવા મળી છે. જ્યાં એક મહાત્માએ રસ્તાના કિનારે તદ્દન અલગ પ્રકારનું આસન જમાવીને રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

​વાયરલ થયેલી તસવીરમાં જોઈ શકાય છે તેમ, ભગવા વસ્ત્રધારી આ સાધુ મહાત્મા પુલની ફૂટપાથ પર સૂતા છે અને તેમણે પોતાના બંને પગ પુલની લોખંડની પીળી રેલિંગ પર અત્યંત સહજતાથી ગોઠવ્યા છે. આસપાસથી પસાર થતા વાહનો કે લોકોના ઘોંઘાટની પરવા કર્યા વગર, તેઓ પોતાની જ ધૂનમાં મસ્ત દેખાઈ રહ્યા છે. તેમના ચહેરા પરની શાંતિ એ વાતની સાક્ષી પૂરે છે કે આ સાધુ સંસારથી સંપૂર્ણપણે વિરક્ત અને પ્રભુ પ્રીતિમાં રત છે.

​સામાન્ય માણસ જ્યાં ભૌતિક સુખો અને ગાદલા-તકિયા વગર આરામની કલ્પના પણ નથી કરી શકતો, ત્યાં આ સાધુ માટે આ ખુલ્લું આકાશ અને સિમેન્ટનો રોડ જ જાણે બધું જ છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સાધુની આ અનોખી અદા એ જ દર્શાવે છે કે જેણે મોહમાયા છોડી દીધી છે, તેને ગમે તે પરિસ્થિતિમાં પણ પરમાનંદની પ્રાપ્તિ થઈ જાય છે.

​તસવીરમાં દેખાતો આ અંદાજ અત્યારે સાવરકુંડલા પંથકમાં ભારે કુતૂહલ જગાવી રહ્યો છે અને લોકો આ અલગારી સાધુની મસ્તીને બિરદાવી રહ્યા છે.

Related Posts