ગુજરાતના નવસારીનો એક યુવક બે યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખાનપુર ગામના યુવકના આવતીકાલે સોમવારે (૧૯ મે, ૨૦૨૫) બે યુવતી સાથે અને પોતાના ૩ ત્રણ સંતાનોની સાક્ષી લગ્ન થવા જઈ રહ્યાં છે, ત્યારે લોકોમાં કુતૂહલ જાેવા મળી રહ્યું છે. આદિવાસી સમાજની અનોખી પરંપરાથી યુવકના બે યુવતી સાથે લગ્ન થવાના છે, ત્યારે ચાલો જાણીએ આદિવાસી પરંપરા વિશે.
ખાનપુર ગામના રહેવાસી મેઘરાજભાઈ (ઉં.વ.૩૬)ના લગ્નની કંકોત્રીની ચર્ચા ચારેયકોર થઈ રહી છે. કંકોત્રીમાં તેમના લગ્ન બે યુવતી અને તેમના ત્રણ સંતાનોની સાક્ષીએ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. વાત એમ છે કે, મેઘરાજભાઈને ખાંડા ગામના કાજલ ગાવિત સાથે પ્રેમ થતાં તેમણે વર્ષ ૨૦૧૦માં સગાઈ કરી હતી. જાે કે, આ પછી મેઘરાજભાઈને કેલીયા ગામના રેખા ગાઈન સાથે પણ પ્રેમ થતાં વર્ષ ૨૦૧૩માં તેમની સાથે સગાઈ કરી હતી.
આ પછી મેઘરાજભાઈ, કાજલ અને રેખા ત્રણેય લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે, આદિવાસી સમાજમાં ઘણી વખત લગ્ન પહેલા યુવક-યુવતીઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. જ્યારે તેમની આર્થિક સ્થિતિ યોગ્ય જણાય ત્યારે તેઓ વિધિવત રીતે લગ્ન કરે છે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની આદિવાસી પરંપરાને ચાંદલા વિધિ અથવા ફૂલહાર તરીકે ઓળખવામાં આવે છે.
મેઘરાજભાઈને કાજલ અને રેખા થકી ત્રણ બાળકો છે. જ્યારે હવે એમના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સંતાનો પણ માતા-પિતાના લગ્ન વિધિમાં હાજર રહેશે. એક મંડપમાં બે યુવતી સાથે લગ્ન થવાના છે, ત્યારે મેઘરાજભાઈના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ગુજરાતભરના લોકો ફોન કરીને પૂછપરછ અને પરંપરા વિશે માહિતી મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
નવસારીનો યુવક બે યુવતી સાથે કરશે લગ્ન, ૩ સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી

Recent Comments