ગુજરાત

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની, ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત

આજનો દિવસ ગુજરાત અને સમગ્ર ભારત માટે ખૂબ જ ઐતિહાસિક છે.અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાશે, જેની હવે સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આજે (26 નવેમ્બર)ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત કરાઈ છે. આજની બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન ગ્લાસ્ગો પહોંચ્યું છે. ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં સભ્ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે. આ ભારતની તે મહત્ત્વાકાંક્ષી યોજનામાં મોટું પગલું છે, જે હેઠળ તેઓ એક ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા ઇચ્છે છે. જણાવી દઈએ કે, અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું. ભારતે છેલ્લીવાર 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ વખતે આ આયોજન અમદાવાદમાં થશે, જેને ગત એક દાયકામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાને વધુ ગતિથી વિકસિત કરાયું છે. 2030ની કોમનવેલ્થ બોલીમાં ભારતનો મુકાબલો નાઇઝીરિયાના શહેર અબુજા સાથે હતો, પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટે આફ્રિકન દેશને 2034 એડિશન માટે વિચારમાં રાખવાનો નિર્ણય કર્યો.

2010માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં અંદાજિત 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે શરૂઆતી અંદાજ 1,600 કરોડ રૂપિયા કરતાં ઘણો વધારે હતો. કોમનવેલ્થ ગેમ્સને ગત કેટલાક વર્ષોથી પ્રાસંગિક બનાવી રાખવા અને યજમાન શોધવા પડકારભર્યુ રહ્યું છે. આ આયોજનમાં 72 દેશોના ખેલાડી ભાગ લે છે, જેમાં મોટાભાગે ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતોનો સમાવેશ થાય છે.તાજેતરના મહિનાઓમાં અમદાવાદે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર જેવી ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન પેરા-આર્ચરી કપ અને 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ અહીં યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં એક વિશાળ સંકુલ વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, એક્વેટિક્સ સેન્ટર, ફૂટબોલ સ્ટેડિયમ અને ઇન્ડોર એરેનાનો સમાવેશ થશે. આ સંકુલની અંદર 3,000 એથ્લેટ્સ માટે એક રમતવીરોનું ગામ પણ બનાવવામાં આવશે.અગાઉ કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવા માટેના અનેક કારણો આપ્યા હતા. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે.ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશને (IOA) અગાઉ 13 ઑગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી.

Related Posts